કોરોના મહામારીથી બચવા આજે દરેક વર્ગ રસી લેવા તત્પર છે અને રસીકરણ કેન્દ્રોમાં મને પહેલા રસી મળે તે માટે કતારોમાં લોકો પ્રતીક્ષા કરે છે ત્યારે ચોમાસા દરમિયાન પશુઓમાં રોગચાળો ન ફેલાય એ માટે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના ૫,૧૭,૨૦૦ ગાય-ભેંસને અત્યારથી રસીનું કવચ આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે અને ગળસુંઢાની રસી પશુઓને મુકવા માટે શરૂઆત કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લામાં નવ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જિલ્લામાં ૫,૧૭,૨૦૦ ગાય-ભેંસની સંખ્યા નોંધાયેલી છે. આમ તો ખેતી બાદ પશુપાલનનો વ્યવસાય સૌથી મોટો ઉદ્યોગ છે. ત્યારે ચોમાસા દરમિયાન બેકટેરિયાથી ફેલાતા જીવાણુઓથી પશુઓના મોતના કિસ્સાઓ પણ બનતા હોય છે. આ સારવાર ઘણી ખર્ચાળ પણ હોય છે. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને પુરી માહિતી ન હોવાના કારણે પશુઓના રોગની સારવાર સમયસર થઈ શકતી નથી. પરિણામે પશુપાલકને જાનમાલથી હાથ ધોવા પડે છે, ત્યારે કોરોનાથી બચાવવા જેમ માનવને રસી આપવામાં આવે છે તેમ પશુઓને પણ રસી આપવાનો પ્રારંભ નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ગઢવીના માર્ગદર્શન અને સુચના મુજબ પશુપાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે નાયબ પશુ નિયામક એન.એમ.પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું છે કે જિલ્લામાં ગળસૂંઢાની રસીના ૧.૬૦ લાખ રસીના ડોઝ આવી ગયા છે. અને તમામ તાલુકામાં ડિસ્ટ્રબ્યુટર કરી દેવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં વધારાના ડોઝ પણ આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ભેજ અને વાદળ છાયા વાતાવરણના કારણે પશુઓમાં ગળસૂંઢો રોગ થવાની શકયતા રહે છે. આ રોગ ફેફસાનો છે જેમાં તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં સોજો આવવો, સહિતના લક્ષણો જોવા મળે છે. આ બિમારીની સારવાર ખર્ચાળ અને મુશ્કેલ હોય છે. જેના કારણે રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. રસી આપવાથી પશુઅોમાં બિમારી થતી નથી. જિલ્લામાં ૫,૧૭,૨૦૦ ગાય-ભેંસને રસી આપવા માટે સમુલ ડેરીનો પણ સહયોગ મળી રહ્યો છે. આમ ચોમાસા દરમિયાન ગાળસૂંઢાની રસી આપી દેવામાં આવશે. અને દિવાળી આસપાસ પશુઓને ખરવા-મોવાસાની રસી આપી બિમારીથી રક્ષીત કરવાનું આયોજન હોવાનું ઉમેર્યું હતું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500