મહુધા તાલુકાનાં ઉંદરા ગામનાં વેપારીએ મહુધા, ભાનેર અને અલારસા ગામના ત્રણ શખ્સો પાસેથી વ્યાજે નાણાં ઉછીના લીધા હતા. જે અંગે વ્યાજ સહિત નાણાં ચૂકવી દીધા હોવા છતાં લેણદારો વધુ રકમની માંગ કરતા હતા. લેણદારોના ત્રાસથી કંટાળી વેપારીએ ઝેરી દવા પી લેતા નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉંદરા ગામે રહેતા વેપારી અમિતકુમાર મુકુંદભાઈ પટેલે વર્ષ-૨૦૧૪માં નરેશ મણીભાઈ ઠક્કર (રહે.મહુધા) પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂપિયા ૧૦ લાખ ઉછીના લીધા હતા.
તેમણે રૂપિયા ૬૦થી ૭૦ લાખ પરત આપ્યા હોવા છતાં નરેશભાઈ એક કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે કરી વધુ પૈસાની માંગણી કરતા હતા. જેથી તેમણે સંયુક્ત માલિકીની નવ વીઘા જમીનનો કબજા વગરનો બાનાખત કરી આપ્યો હતો. તથા કોરા ચેક નરેશભાઈને આપ્યા રૂપિયા હતા. ત્યારબાદ વર્ષ-૨૦૧૬માં નિકેશ સુરેશભાઈ પટેલ (રહે.ભાનેર) પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂપિયા ૧૦ લાખ લીધા હતા. જે પેટે વાર્ષિક રૂપિયા ૧.૨૦ લાખ આપતા હોવા છતાં હજૂ રૂપિયા ૮૦ લાખ બાકી નીકળતા હોવાનું જણાવી વધુ પૈસાની માંગણી કરતા હતા.
જેથી નિકેશભાઈના ઓળખીતાને આઠ વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાં વધુ પૈસાની માંગણી કરતા હતા. જેથી વર્ષ-૨૦૧૮માં વિરલ ભીખાભાઈ પટેલ (રહે.અલારસા) પાસેથી ૧૦ ટકા વ્યાદે રૂપિયા ૨૫ લાખ વ્યાજે લીધા હતા. તેમને ગેરંટી પેટે કોરા ચેક અને જમીનનો બાનાખત કરી આપ્યો હતો. તેને રૂપિયા ૬૦ લાખથી વધુની રકમ ચુકવ્યા છતાં વધુ નાણાની માંગણી કરતા હતા. જેથી જમીનમાં થયેલો તમાકુનો ભાગ પણ વિરલને આપી દીધો હતો. દરમિયાન તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અમિતકુમારને બ્રેઈનસ્ટ્રોક આવતા પેરાલીસીસ થઈ જતાં હાલ પથારીવશ છે.
જોકે, લેણદારોએ નાણાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી પૈસાની વસુલાત કરી, ઘરે આવી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી તારીખ ૨૨ જૂનના રોજ અમિતકુમારે લેણદારોની ઉઘરાણીના માનસિક ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અમિતકુમારની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે નરેશ મણીભાઈ ઠક્કર, નિકેશ સુરેશભાઈ પટેલ, વિરલ ભીખાભાઈ પટેલ, ભીખાભાઈ પરસોત્તમ પટેલ તથા તેમના અન્ય મળતીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500