ગાંધીનગર નજીક કાનપુરમાં રહેતા યુવાન દ્વારા કલોલની કેનાલમાં આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જે ઘટનામાં છાલા ગામના યુવાનો દ્વારા પ્રેમિકા સાથેના વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતા કંટાળીને આ યુવાને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે અને જે મામલે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગરના કાનપુર ગામમાં રહેતા સુનીલ અરવિદભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પિતરાઈ ભાઈ સાહિલ ગેમરભાઇ ઠાકોર છાલા ગામમાં દુધની ગાડીમાં નોકરી કરતો હતો.
જેને છાલા ગામની યુવતી સાથે મિત્રતા હતી. ગત તારીખ ૨૧મી સપ્ટેમ્બરે સાહીલે સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારની નર્મદા કેનાલમાં આપઘાત કરી લીધો હતો. આ આપઘાત બનાવના પાંચેક દિવસ અગાઉ સુનીલને તેના પિતરાઈ ભાઈ સાહિલે જણાવ્યું હતું કે, છાલાની યુવતી સાથે પ્રેમ છે અને છાલા ગામના અસ્ફાક ઉર્ફે અપ્પુએ બંનેનો વીડિયો બનાવી લીધો છે. જે વીડિયોના આધારે અસ્ફાક ઉર્ફે અપ્પુ તથા શાહરૂખ રીક્ષાવાળો બહુ હેરાન કરી રહ્યા છે. જેનાં બીજા દિવસે સાહિલને પગે ગૂમડું થયું હોવાથી તેની જગ્યાએ સુનીલ નોકરીએ ગયો હતો.
એ વખતે કાનપુરથી છાલા બાઈક ઉપર મૂકવા જતી વેળાએ સાહિલે ફરીવાર વાત કરેલી કે, અસ્ફાક અને શાહરુખ પ્રેમિકા સાથે મિત્રતા કરાવી આપવાની શરત મૂકી વીડિયો બધાને બતાવી દેવાની ધમકીઓ પણ આપી રહ્યા છે. જેથી સુનીલે સઘળી હકિકત પોતાના પિતાને કહેતાં તેમણે વાતનો નિકાલ કરવાની તૈયારી દર્શાવી હતી. જોકે એ પહેલાં જ સાહિલે બંને ઈસમોનાં ત્રાસથી કંટાળી કેનાલમાં આપઘાત કરી લીધો હતો. જેની લૌકિક ક્રિયાઓ પછી સુનીલનો ભાઈ સંજય ફોટો બનાવવા છાલા ગામમાં ગયો હતો. તે સમયે શાહરૃખે તેને રોકીને ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ચીલોડા પોલીસે અસ્ફાક ઉર્ફે અપ્પુ મહેબુબમીયાં હુસેનમીયાં રાઠોડ અને શાહરૃખ હનીફમીયાં બેલીમ વિરુદ્ધ ગુનો નોંધી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500