ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઇ ચુકી છે. આ યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને મણિપુર જવાનો સમય નથી મળ્યો. ભાજપ-RSS માટે કદાચ મણિપુર ભારતનો ભાગ નથી..’ તેવું રાહુલે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં મણિપુરમાં કોંગ્રેસ નેતાઓની ફ્લાઇટ રદ થવા બદલ માફી પણ માગી હતી. રાહુલે કહ્યું હતું કે 29 જૂન બાદ મણિપુરમાં શાસન વ્યવસ્થાનું સમગ્ર માળખું ધ્વસ્ત થઇ ગયું છે. આખા રાજ્યમાં નફરત ફેલાઇ ગઇ છે. તેમણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધીને જણાવ્યું હતું કે આજ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર જવાનો સમય મળ્યો નથી. કદાચ તેઓ મણિપુરને ભારતનો ભાગ જ માનતા નહિ હોય. ભારત જોડો યાત્રા શરૂ કરવા માટે લોકોએ અલગ અલગ વિચારો આપ્યા. કોઇએ કહ્યું પૂર્વથી શરૂ કરો, કોઇએ કહ્યું પશ્ચિમથી શરૂ કરો. પરંતુ મેં કહ્યું હતું કે યાત્રા તો મણિપુરથી જ શરૂ થશે.
અમે આ યાત્રા વડે નફરતનું વાતાવરણને નાબૂદ કરવાનો અને આખા ભારતને એકસૂત્રતામાં બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ અભિયાનની શરૂઆત અમે ભારત જોડો યાત્રા-1 માં કરી હતી. તે સમયે અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી યાત્રા કરી હતી. અત્યારે અમારી પાસે સમય ઓછો છે એટલે અમે બસ દ્વારા પણ પ્રવાસ કરીશું, તેમ રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરના થૌબલ જિલ્લામાંથી લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરાવી હતી. આ યાત્રામાં સામેલ થવા માટે દિલ્હીથી ખાસ ફ્લાઇટમાં સલમાન ખુર્શીદ, રાજીવ શુક્લા, આનંદ શર્મા, રણદીપસિંહ સુરજેવાલા, અશોક ગહેલોત, અભિષેક મનુ સિંઘવી, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, સચિન પાયલટ, દિગ્વિજયસિંહ, પ્રમોદ તિવારી સહિતના 70 જેટલા નેતાઓ રાહુલ ગાંધી સાથે ઇમ્ફાલ પહોંચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500