મુંબઈનાં કલ્યાણમાંથી પંજાબનાં ત્રણ શાર્ટ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ, મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને ખડકપાડા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. પંજાબમાં હત્યા કર્યા બાદ તેઓ કલ્યાણમાં છુપાઈ ગયા હતા. આ ત્રણ ગેંગસ્ટર પંજાબની ખત્રી ગેંગમાં સામેલ હતા. પંજાબમાં હત્યા કર્યા બાદ ત્રણ શાર્પ શૂટર શિવમ સિંહ, ગુરુમુખ સિંહ, અમનદીપકુમાર પલાયન થઈ કલ્યાણ આવ્યા હતા. અહીં મોહને વિસ્તારમાં છુપાઈ ગયા હતા. પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. જોકે કલ્યાણ (પશ્ચિમ)માં મોહને યાદવનગર પરિસરની એક ઈમારતમાં અમુક કુખ્યાત ગુંડા હોવાની માહિતી પંજાબ પોલીસને મળી હતી. ગત બે દિવસની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની ટીમ આ વિસ્તારની રેકી કરી રહ્યા હતા.
જેથી વહેલી સવારે ટાસ્ક ફોર્સ, મુંબઈ એટીએસ અને ખડકપાડા પોલીસે જોઈન્ટ ઓપરેશન હાથ ધરી ઈમારત પર છાપો માર્યો હતો. દરમિયાન ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પંજાબમાં મખ્ખનસિંહ હત્યાકાંડમાં આ ત્રિપુટી ફરાર હતી. આ કેસમાં પંજાબ પોલીસે મનદીપસિંહની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન શિવમસિંહ, ગુરુમુખસિંહ, અમનદીપકુમારની ગુનામાં સંડોવણીની જાણ થઈ હતી. આમ, આરોપીઓની ધરપકડ બાદ કલ્યાણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને પંજાબ પોલીસના તાબામાં સોંપવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500