ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઈ ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી એક યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં મૃતકના ભાઈને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ધોળા દિવસે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસનો મસમોટો કાફલો દોડી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધવા તેમજ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિઠ્ઠલવાડી, વડલાવવાળી શેરીમાં રહેતા કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.25) અને તેમના ભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.27)ને ગુરૂવારે સાંજના સમયે તે જ વિસ્તારમાં રહેતો રાહુલ વેગડ નામના શખ્સ સાથે વિઠ્ઠલવાડી, જૂના બે માળિયા, પેટ્રોલપંપ પાછળ મારામારી થઈ હતી. દરમિયાનમાં મામલો વધુ ઉગ્ર થતાં રાહુલનો સબંધ રાજુ વેગડ પણ દોડી આવ્યો હતો અને બંને ભાઈ ઉપર ધડાધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરતા કુલદીપસિંહ ઝાલાને ગંભીર ઈજા થતાં રસ્તા પર ઢળી પડતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે તેમના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગોળી વાગી જતાં ગંભીર ઈજા થવાથી સારવાર માટે તાબડતોડ સર ટી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગ કરી સરાજાહેર યુવાનની હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવતા જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી, નિલમબાગ પોલીસનો મસમોટો કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો હતો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને પક્ષે ચાલી રહેલા ઝઘડા દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હત્યા કરી રાહુલ અને રાજુ નામના શખ્સો નાસી ગયા હોય, પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હત્યારાઓને દબોચી લેવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500