ગાંધીનગર શહેરના અડાલજના ત્રિ મંદિર પાસે લઘુશંકા માટે ઉભા રહેલા જમીન દલાલ ઉપર ધોકાથી ત્રણ શખ્સોએ હુમલો કરીને મોબાઇલ લૂંટી લીધો હતો જ્યારે ઝપાઝપીમાં તેમની સોનાની વિંટી પડી ગઇ હતી જે સંદર્ભે ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ મામલે અડાલજ પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કલોલ તાલુકાના સઇજમાં આનંદપુરા ખાતે રહેતા જમીન દલાલ અજમલજી જીવનજી ઠાકોર ગઇકાલે તેમની કાર લઇને અમદાવાદ ખાતે દલાલ મિત્રોને મળવા ગયા હતા અને ત્યાંથી રાત્રે સઇજ જવા નિકળ્યા હતા જ્યાં પોણા બારેક વાગે અડાલજ ત્રિ મંદિર પાસે મહેસાણા પીકઅપ સ્ટેન્ડની પાસે કાર પાર્ક કરીને કાફેની પાછળ લઘુશંકા માટે ગયા હતા. આ દરમ્યાન ત્યાં ત્રણ શખ્સો હાજર હતા અને અહીં શું કામ આવ્યો છે તેમ કહીને એક શખ્સે તેના હાથમાં રહેલા ધોકા વડે હૂમલો કરી દીધો હતો.
જેના પગલે અજમલજી નીચે પડી ગયા હતા અને માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. બુમાબુમ કરતા આ શખ્સો ત્યાંથી નાસી છુટયા હતા અને એક શખ્સ તેમનો મોબાઇલ લઇને ભાગી ગયો હતો. જ્યારે આ ઝપાઝપીમાં તેમની સોનાની વિંટી પણ નીચે પડી ગઇ હતી. હિંમત કરીને તેઓ કાર પાસે પહોંચ્યા હતા અને ત્યાર બાદ કલોલની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જ્યાં હાલ તેમની ફરિયાદને આધારે પોલીસે ત્રણ શખ્સો સામે મારામારી કરીને લૂંટ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500