Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડા જિલ્લામાં જુદા-જુદા ત્રણ સ્થળે સર્જાયેલા અકસ્માતમાં ત્રણનાં મોત

  • November 12, 2024 

ખેડા જિલ્લામાં જુદા-જુદા ત્રણ સ્થળે સર્જાયેલા અકસ્માતના બનાવમાં બે મોટરસાયકલ ચાલક તેમજ એક ટ્રક ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી મુજબ, માતર તાલુકાના રતનપુરમાં રહેતા શબ્બીર ખાન મહંમદખાન પઠાણ તથા હબીબ મિયા એમદ મિયા કુરેશી તા.૯/૧૧/૨૪એ મોટરસાયકલ લઈને માતર દરગાહ પર છઠ્ઠીમાં હાજરી આપવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા માતર પરિશ્રમ ફાર્મ નજીક કટ ઉપરથી હાઈવે પર જતા અમદાવાદ તરફથી આવેલી ગાડીએ ટક્કર મારી હતી. અકસ્માતમાં હબીબભાઈ એમદભાઈ કુરેશીને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મેડિકલ ઓફિસરે હબીબ મિયાં કુરેશી ઉંમર ૫૭ વર્ષને મૃત જાહેર કર્યા હતા.


આ બનાવ અંગે સબીર ખાન મહમદ ખાન પઠાણની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં રખિયાલ અમદાવાદમાં રહેતા મહમદ ફઈમ તોફીક મહંમદ સિદીકી ભાઈની આઇસર લઈ ભુપેન્દ્ર ભગવાન દિન પટેલ અંકલેશ્વર ગયા હતા. તેઓ અંકલેશ્વરથી રાત્રે પ્લાસ્ટિકનો ભંગાર ભરી પરત આવતા હતા. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અરેરા સીમ નજીક ટ્રક ચાલક ટ્રક સાઈડ પર ઉભી રાખી ઉતરીને લઘુ શંકા કરતો હતો. ત્યારે પાછળથી પુર ઝડપે આવેલી આઇસરનો ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ભુપેન્દ્રભાઈ ભગવાન પટેલ (ઉં.વ.૪૦)નું ઘટના સ્થળે જ મોત થયું હતું.


આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજા બનાવમાં ઉમરેઠ તાલુકાના હેમરાજપુરામાં રહેતા મહેશભાઈ જુવાનસિંહ ચૌહાણના કાકાનો દીકરો કિરીટભાઈ ખાચરભાઈ ચૌહાણ અંકિતને સાથે લઈ મોટરસાયકલ પર સાસરી દસક્રોઈ તાલુકાના ઉંદરેલ જઈ રહ્યો હતો. ત્યારે નડિયાદ હેલિપેડ પાસે પાર્થ પાર્ટી પ્લોટ નજીક ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર બંનેને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલા કિરીટભાઈ ચૌહાણનું મોત થયું હતું. આ ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application