કર્ણાટકનાં રાયચૂર જિલ્લામાં દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોનાં મોત થયા છે. આ ઘટના પછી કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઇએ તપાસના આદેશ આપ્યા છે અને મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાના વળતર આપવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકો સહિતના અનેક લોકોએ દૂષિત પાણી પીધા પછી રાયચૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોમ્મઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાયચૂરમાં દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોનાં મોત થવાની ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે.
તેમણે કર્ણાટક વોટર સપ્લાય અને સિવરેજ બોર્ડના ચીફ એન્જિનિયરને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વરસાદને કારણે નુકસાન પામેલી પાઇપ લાઇનથી આ ઘટના સર્જાઇ હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જયારે પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, રાયચુરના તમામ વોર્ડમાંથી પાણીના નમૂના એક્ત્ર કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડીવાયએસપીના નેતૃત્ત્વમાં પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જે કોઇ પણ કર્મચારી કે અધિકારીની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500