ટેક્સાસનાં ઉવાલ્ડે ખાતે પ્રાઈમરી શાળામાં બનેલી ગોળી બારની ઘટનામાં મૃતકઆંક વધીને 21 થઈ ગયો છે. મૃતકોમાં 18 બાળકો સહિત અન્ય 3 લોકોનો સમાવેશ થાય છે. જોકે 18 વર્ષીય બંદૂકધારીએ ગતરોજ ટેક્સાસ ખાતેની એક પ્રાઈમરી શાળામાં આડેધડ ગોળી બાર કર્યો હતો. સ્ટેટ ગવર્નર ગ્રેગ એબટના કહેવા પ્રમાણે, શૂટરની ઓળખ 18 વર્ષીય સલ્વાડોર રામોસ તરીકેની સામે આવી છે.
તે સ્થાનિક અમેરિકી નાગરિક છે. એવી આશંકા છે કે, પહેલા તેણે પોતાના દાદીને ગોળી મારી હતી અને ત્યારબાદ તે રોબ એલિમેન્ટ્રી શાળાએ પહોંચ્યો હતો. તેના પહેલા તેણે પોતાની ગાડી છોડી હતી. તે પોતાના સાથે એક હેન્ડગન અને સંભવત રાઈફલ લઈને આવ્યો હોવાની આશંકા છે. ઘટના સ્થળેથી તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે અને રિસ્પોન્ડિંગ ઓફિસરે તેને ગોળી મારી હોવાનું જણાઈ રહ્યું છે.
જોકે રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટના અંગે ક્ષોભ વ્યક્ત કરતા કહ્યું કે, 'આજે કેટલાક અભિભાવકો એવા હશે જેઓ પોતાના બાળકોને ફરી કદી નહીં જોઈ શકે. માતા-પિતાઓ જે કદી પહેલા જેવા નહીં રહે. પોતાના બાળકને ગુમાવવું, પોતાના આત્માના એક હિસ્સાને ગુમાવવા સમાન છે. હું સમગ્ર રાષ્ટ્રને અપીલ કરૂં છું કે, તેઓ એમના માટે પ્રાર્થના કરે, તેમના માટે આ અંધકારભર્યા સમયમાં હિંમત આપવાની પ્રાર્થના કરે.'
બાઈડને વ્હાઈટ હાઉસ ખાતે એક સંબોધન દરમિયાન ફરી એક વખત ગન લોબિઈંગ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે અને હવે તેના સામે એક્શન લેવાનો સમય આવી ગયો છે તેમ કહ્યું હતું. જાણવા મળ્યા મુજબ, હુમલાની ઘટના બની તે શાળામાં 500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળા આર્થિકરૂપે વંચિત હોય તેવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરે છે.
જયારે વર્ષ 2018માં પાર્કલેન્ડ, ફ્લોરિડામાં હાઈસ્કુલના 14 વિદ્યાર્થીઓ અને 3 કર્મચારીઓનાં મોત બાદ કોઈ શાળામાં થયેલો આ સૌથી મોટો હુમલો હોવાનું જણાઈ રહ્યું છે તેમજ વર્ષ 2012માં કનેક્ટિક્ટ ખાતે આવેલી એક પ્રાઈમરી શાળામાં 20 બાળકો અને 6 કર્મચારીઓ માર્યા ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500