Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીનાં શ્રી અંબિકા જ્વેલર્સનાં માલિકનાં કારમાંથી દાગીના અને રોકડ રકમની લુંટ કરી ત્રણ ઈસમો ફરાર, પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી

  • November 01, 2023 

વાપી નજીકના ભડકમોરા સુલપડમાં એમ.જે.માર્કેટમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સનાં દુકાન માલિકે કારમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડા 50 હજાર મળી કુલ રૂપિયા 10,70,000/-ની ભરેલ બેગ સીટ ઉપર મૂકી હતી. તે સમયે એક ઈસમ તમંચો તાકી દીધા હતા, જ્યારે બીજા એક ઈસમે હવામાં ફાયરીંગ કર્યુ હતું અને કારમાં મુકેલા ઘરેણાં તથા રોકડ ભરેલી બેગની લૂંટ કરી હતી. ત્યારબાદ બાઈક પર આવેલા ઈસમ સાથે ત્રણેય ફરાર થઈ ગયા હતાં. જેની જાણ પોલીસને થતાં જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની આસપાસ આવેલા CCTV ફૂટેજનાં આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, હરિયા પાર્ક, શ્રદ્ધા રો-હાઉસમાં રહેતા ચિરાગ અજયસીંગ પાલની ભડકમોરાના સુલપડમાં આવેલી એમ.જે.માર્કેટમાં શ્રી અંબિકા જ્વેલર્સની દુકાન છે. તે રાબેતા મુજબ સોમવારે કાર લઈને પોતાની દુકાન ઉપર આવ્યા હતા અને રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ સોનાના 7 લાખ, ચાંદીના 3.20 લાખના ઘરેણા અને વેચાણના મળેલા રોકડા 50 હજાર મળી કુલ રૂપિયા 10,70,000/- બેગમાં લઈ તેઓએ દુકાન સામે પાર્ક કરેલી કારમાં મૂકી વાહન સાફ કરી રહ્યા હતા. તે સમયે પાછળથી એક ઈસમે હાથમાં કટ્ટો લઈને આવી તેમની ઉપર તાકી દેતા તે ગભરાઈ ગયા હતા અને કારની આગળ તરફ જતા રહ્યા હતા.



ત્યારે બીજો એક ઈસમ પણ હાથમાં કટ્ટો લઈને આવ્યો અને હવામાં ફાયરીંગ કરી કાર નંબર GJ/15/CK/4367માં મૂકેલા સોના-ચાંદીના અને રોકડ ભરેલી બેગની લૂંટ કરી હતી. પાછળથી બાઈક લઈને આવેલા ત્રીજા ઈસમના હાથમાં ઝાટકો હતો અને બુકાનીધારી ત્રણેય ઈસમ બાઈક પર બેસી અંધારામાં અદ્રશ્ય થઈ ગયા હતાં. ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ તરત જ પોલીસને કરવામાં આવતા સ્થળ પર પોલીસ ટીમ દોડી આવી આસપાસના CCTV ફૂટેજના આધારે લૂંટ કરનારાઓનું પગેરૂ શોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગેની ફરિયાદ જ્વેલર્સ માલિક ચિરાગ પાલે વાપી ટાઉન પોલીસ મથકમાં કરતા વધુ તપાસ હાથ ધરી હતી.



વધુમાં જ્વેલર્સ માલિક ચિરાગ પાલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેય ઈસમ હાથમાં ઘાતક હથિયાર લઈને આવ્યા હતા. જેમાં બે ઈસમના હાથમાં કટ્ટા અને એકના હાથમાં કોયતો હતો. બે ઈસમની ઉંમર 25 થી 30 જ્યારે ત્રીજાની ઉંમર આશરે 30થી 35 હતી. એક ઈસમે આખી બાયનું ટી શર્ટ, ટ્રેક પેન્ટ, બૂટ પહેરેલા હતા અને મોં પર રૂમાલ બાંધ્યો હતો અને કાળા કલરની ટોપી પહેરેલી હતી. બીજાએ આખી બાયનું શર્ટ, કાળી પેન્ટ અને મોં પર રૂમાલ તથા ચશ્મા પહેરેલા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application