વલસાડના ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી ખેરગામનાં સોની સાથે રૂપિયા 6.63 લાખની છેતરપિંડી કરનાર મહિલાને ખેરગામ પોલીસે લાજપોર સબજેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી લાવી ધરપકડ કરી હતી. સુરત સહિત ખેરગામના સોની સાથે ઠગાઈ કરનાર આ મહિલાને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખેરગામના ઝંડાચોક ખાતે રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતાં અલ્પેશભાઈ ઇશ્વરભાઇ પારેખ ગત તારીખ 22 માર્ચના રોજ તેમની દુકાને હતા. તે દરમિયાન તેમની ઓફિસના લેન્ડલાઈન ઉપર હું હેતલકુમારી સંજયભાઈ પટેલ બોલું છું અને અમારે સોના-ચાંદીના દાગીના જોઈએ છે અને પૈસા ચેકથી ચૂકવી દઈશું.
વધુમાં આ ફોન કરનાર મહિલાએ અલ્પેશભાઈના જુના ગ્રાહક એવા તોરણવેળાના જાણીતા વૈધ ઝીણાભાઈ દલુભાઈ ગાવિતની ઓળખ આપી હતી. મહિલાએ કહ્યું હતું કે, હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઝીણાભાઈને ત્યાં દવા લેવા આવું છું આમ સોના ચાંદીની ખરીદી માટે વિશ્વાસ સંપાદન કર્યા બાદ આ મુલાય ગત તારીખ 23 માર્ચનાં રોજ બીજી વાર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું હેતલકુમારી સંજયકુમાર પટેલ બોલું છું અને વલસાડ રહું છું અને ત્યાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરું છું. હાલમાં પાલનપુરથી બદલી થઈને આવી છું અમારે સોના ચાંદીના દાગીના જોઈએ છે અને જે પૈસા થાય એ અમે ચેકથી ચૂકવી દઈશું કહીને ફોન મૂકી દીધો હતો.
ત્યારબાદ અલ્પેશભાઈ દુકાને હાજર હતા તે સમયે હેતલબેન પટેલ નામની મહિલા ત્યાં આવી હતી અને એક સોનાનું મંગલસૂત્ર, બે સોનાની ચેન, બેન લુઝ અને એક બુટ્ટી મળી કુલ રૂપિયા 6,63,750/-નું સોનુ ખરીદ્યું હતું. ત્યારબાદ સોનાની ખરીદી પેટે આપેલો ચેક અલ્પેશભાઈએ પોતાના યુનિયન બેન્કનાં ખાતામાં નાંખતા પૈસાના અભાવે તે રિટર્ન થયો હતો આથી જ સોનીને શંકા જતા હેતલકુમારીએ આપેલા ફોન નંબર ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો આથી તેમને વલસાડ કચેરીમાં તપાસ કરતા આવી કોઈ મહિલા અહીં કામ કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ તેમને એવી જાણકારી મળી હતી કે, સુરતમાં પણ હેતલકુમારી નામની મહિલાએ સોની સાથે ઠગાઈ કરી હતી. આ મામલે અલ્પેશભાઈ પારેખે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં ઠગ મહિલાને લાજપોર સબ જેલમાં મોકલવામાં આવી હતી જેણે અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈ કરી હોવાની આશંકા છે ખેરગામના સોની સાથે રૂપિયા 6.63 લાખની છેતરપિંડી કરનાર આ મહિલાને ખેરગામ પોલીસે લાજપોર સબજેલ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટથી લાવી ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મહિલાનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500