અમદાવાદમાં ભીડ ભાડ વાળી જગ્યાએ લોકોના ખિસ્સા પણ કપાઈ રહ્યાં છે. ત્યારે કોમેડી આર્ટીસ્ટ અને સામાજિક કાર્યકર તરીકે જાણિતા ખજૂરભાઈના કાર્યક્રમમાં અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. આ ભીડમાં ત્રણ શખ્શો તકનો લાભ લેવા ઘુસી ગયા હતાં. તેઓ લોકોનું ધ્યાન ભટકાવીને પાકિટની ચોરી કરી રહ્યાં હતાં. પોલીસને આ અંગે જાણ થતાં જ ત્રણેય શખ્સોને પાકિટ ચોરતા રંગે હાથે ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરમાં કોમર્સ છ રસ્તા પાસે બે દિવસ પહેલાં એક કેફે હાઉસનું ઓપનિંગ કરવા માટે ખજુર ભાઈ આવ્યા હતાં. તેઓ આવવાના હોવાથી લોકોની ભારે ભીડ જમા થઈ હતી. આ ભીડમાં ત્રણ ચોર પણ ઘૂસી ગયા હતાં. જેઓ લોકોનું ધ્યાન ભટકાવીને પાકિટની ચોરી કરતાં હતાં. તેમણે આ ભીડમાં ચાર લોકોના પાકિટ ચોર્યા હતાં અને વધુ લોકોના પાકિટ મારે એ પહેલાં જ ઝોન-1 એલસીબીની ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી ગઈ હતી. તેમણે આ ત્રણેય ચોરોને પાકિટ ચોરતાં રંગે હાથે ઝડપી લીધા હતાં.ઝોન-1 એલસીબીની ટીમે સલમાન, ઢુસા, યુનુસ અને આસિફ અંસારીની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ વટવાના રહેવાસી છે. ત્રણેય પાસેથી ચાર પાકિટ મળ્યા હતાં. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, તેઓ અખબારમાં ઉદ્ઘાટન અને અન્ય જાહેરાતો જોઈને જ્યાં વધુ ભીડ થવાની સંભાવના હોય ત્યાં પહોંચી જતાં હતાં અને એકબીજાને ફોટો મોકલીને જણાવતાં હતાં. તેઓ ભીડની તકનો લાભ લઈને પાકિટ સેરવી લેતા હતાં.
પોલીસે આ ચોરોની પાસે ચોરી કર્યાનો ડેમો લીધો ત્યારે તેમણે પોલીસ કર્મીનું જ પાકિટ સરળતાથી સેરવી લીધું હતું. જેની પોલીસ કર્મીને જાણ પણ નહોતી થઈ. તેઓ રિક્ષામાં બેસીને આ જગ્યાએ ચોરી કરવા માટે આવ્યા હતાં. પોલીસે આ રિક્ષાને પણ કબજે કરી છે. આ ઉપરાંત ભડિયાદની દરગાહમાંથી પણ તેમણે ચોરી કરી હતી. તે ઉપરાંત રાજકોટની દરગાહમાંથી પાકિટ ચોરી અને ઊંઝામાં ઉર્સના મેળામાંથી તેમજ મહેસાણામાંથી પણ પાકિટ ચોરી કરી હોવાના ગુનાની કબૂલાત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500