વલસાડમાં શ્રમયોગીને છેતરનારા યુપીના ત્રણ આરોપી રીઢા ગુનેગાર હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, આહવા વન વિભાગમાં શ્રમયોગી તરીકે ફરજ બજાવતા આહવાના પટેલ ફળિયામાં રહેતા મધુભાઇ ચિંતામણભાઇ ગવળી નામના કર્મચારી ગત તારીખ ૦૪-૦૩-૨૫ વલસાડના હાલરરોડ પર સ્થિત એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી. એમ. સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયાં ત્યારે ત્યાં હાજર ત્રણ ઠગભગતોએ તેમને નાણાં ઉપાડવામાં મદદ કરવાનો ઝાંસો આપીને તેમના બેંક ખાતામાંથી ૨૩ હજાર રૂપિયા ઉપાડી લેવાની ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ઝડપી સઇદ ઉર્ફે સૈયદ કમાલુદ્દીન હાજી, અબ્દુલ હકીમ ઝહીરૂદ્દીન કુરેશ અને રિયાઝ સરતાઝ ખાન (ત્રણેય મૂળ રહે.પ્રતાપગઢ, યુ.પી)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે ૬૨ જેટલા એ.ટી.એમ. કાર્ડ કબજે લીધા છે.
આરોપીઓ પકડાઈ જતા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ઉપરાંત નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં, પલસાણા પોલીસ સ્ટેશન અને મધ્યપ્રદેશના આમલ્યા પોલીસ સ્ટેશનમાં વલસાડ શહેરમાં આચરેલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયાં છે. આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય ગુનાઓની કરેલી કબુલાત મુજબ જુલાઇ-૨૦૨૪માં મુંબઈ ખાતેથી એટીએમ કાર્ડ બદલી કરી રૂપિયા ૨૩,૫૦૦/- પડાવી લીધા હતા. ઓગસ્ટ-૨૦૨૪માં મહારાષ્ટ્રના દહાણુ ખાતે નવેમ્બર-૨૦૨૪માં મધ્યપ્રદેશના સતારા ખાતે, જાન્યુઆરી-૨૦૨૫માં યુ.પી.ના અલ્હાબાદ ખાતે, ફેબ્રુઆરી-ર૫માં મહારાષ્ટ્રના નાસિક અને ઔરંગાબાદ ખાતે એ.ટી.એમ. કાર્ડ બદલી કર્યા હતા.
પરંતુ એકાઉન્ટ બ્લોક હોવાથી રૂપિયા ઉપડયા ન હતા. વધુમાં આરોપીઓએ ડિસેમ્બર-૨૦૨૪માં યુ.પી.ના આઝમગઢ ખાતે એ.ટી.એમ. કાર્ડ બદલી કર્યા હોવાની કબુલાત કરી હતી. પકડાયેલા ત્રણ પૈકીના મુખ્ય આરોપી સઈદ ઉર્ફે સૈયદ રીઢો ગુનેગાર છે. પોલીસના જણાવ્યાનુસાર આરોપી સઈદ સામે નવી મુંબઈના ખાનદેશ્વર પોલીસ સ્ટેશનમાં, થાણેના નારપોલી પોલીસ સ્ટેશનમાં તથા શીરપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુના નોંધાયા છે. ઉપરાંત ધુલેના શીરપુર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીનો અને સેલવાસના નરોલી પોલીસ સ્ટેશનમાં એ.ટી. એમ. ઠગાઈનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500