દેશમાં ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી તથા તેમના બંને પુત્રોની મારી નાખવાની આજે ફરી ધમકી મળતા ચકચાર મચી છે. આ ધમકીને પગલે મુંબઈ પોલીસ સાબદી બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી કોઇ અજાણ્યા કોલરે બપોરે એક વાગ્યે પ્રાર્થના સમાજની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લેન્ડ લાઇન પર ફોન કરીને આપી હતી.
આ સાથે જ ફોન કરનારી વ્યક્તિએ અંબાણીનાં કેટલાક ફેમિલી મેમ્બરને માટે પણ ધમકી ઉચ્ચારી હતી. કોઇ અજાણ્યા નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનર નિલોત્પલે આ સમાચારને પુષ્ટી આપતા જણાવ્યું હતું કે, અજાણ્યા કોલર તરફથી ધમકીનો ફોન આવ્યા પછી તરત જ ડી.બી.માર્ગ પોલીસનો સ્ટાફ તપાસની કામગીરીમાં લાગી ગયો છે. રિલાયન્સ જૂથના સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલાં બપોરે 12 વાગ્યા પચી અને સાંજે 5 વાગે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે બે વખત ફોન આવ્યા હતા.
તેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી તથા અનંત અંબાણીની હત્યાની ધમકી અપાઈ હતી. ફોન કરનારે એન્ટિલિયા તથા આ હોસ્પિટલ ઉડાડી દેવાની પણ ધમકી આપી હતી. આ અગાઉ 15મી ઓગસ્ટે રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ ઉપર આવો જ ધમકીભર્યો કોલ આવ્યો હતો. ત્યારે એક શખસે હોસ્પિટલના નંબર પર 8 વાર ફોન કરીને મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને ધમકી આપતો ફોન કરવા બદલ પશ્ચિમના પરાંમાંથી એક શખસની અટકાયત કરી હતી. અગાઉ મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટેલિયા'ની બહાર વિસ્ફોટક સાથેની જીપ મળી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500