એક તરફ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ડિજિટલ શિક્ષણ અમલ કરવા તત્પર છે ત્યારે મહારાષ્ટ્રમાં લગભગ 9,278 સ્કૂલોમાં વીજળીનાં બિલ ન ચુકવ્યા હોવાથી અંધારુ થઈ જશે. પરિણામે આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ નહિ કરી શકે. સત્તાવાર ડાટા મુજબ આ સ્કૂલોનાં રૂપિયા 25 કરોડનાં વીજળીનાં બિલ બાકી છે. 6,752 સ્કૂલોનો વીજ પૂરવઠો મેન લાઈનમાંથી કાપી નખાયો હતો, જ્યારે બાકીની 2,526 સ્કૂલોનાં ઈલેક્ટ્રિક મીટર બંધ કરી દેવાયા હતા. નિયમાનુસાર ગ્રામીણ વિસ્તાર અને જિલ્લા પરિષદની સ્કૂલોનો ખર્ચ સ્થાનિક શિક્ષણ વિભાગ રાજ્ય સરકાર તરફથી મળતા ભંડોળમાંથી ચુકવે છે.
વીજળીનાં બિલ પણ તેમાંથી જ ચૂકવવાના હોય છે પણ ભંડોળ ઓછું પડવાને કારણે ઓગસ્ટ-2022થી આ સ્કૂલો વીજળીનાં બિલ ચુકવી નથી શકી. નાશિક જિલ્લા પરિષદ સ્કૂલના એક પ્રિન્સિપાલે જણાવ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી અમુક શિક્ષકોએ ફાળો એકત્ર કરીને રૂપિયા 6,450નાં બિલ ચુકવ્યા હતા. ઘણી સ્કૂલોમાં શિક્ષકો આવી પદ્ધતિથી વીજળીના બિલો ચૂકવે છે. તેમણે જણાવ્યું કે, શિક્ષકો વ્યક્તિગત રીતે ફાળો એકત્ર કરીને વીજ બિલોની ચુકવણી કરતા હોવા છતાં રાજ્ય સરકાર તરફથી તેમને કોઈ વળતર નથી મળ્યું.
રાજ્ય સરકાર માત્ર સ્કૂલોનાં બાકી રહેલા વીજળીનાં બિલો ચુકવે છે. પ્રાથમિક શિક્ષણ વિભાગનાં ડાયરેક્ટરે જણાવ્યું કે, અમે બાકી રહેલા બિલો માટે સરકાર પાસે રૂપિયા 40 કરોડની માંગણી કરી છે જેનાથી અમે માર્ચ સુધી બિલ ચુકવી શકીએ. અમે વીજ બિલ બાકી હોય તેવી સ્કૂલોની માહિતી પણ માગી છે જેથી વહેલી તકે તે ચુકવી શકાય. શિક્ષણ ક્ષેત્રનાં નિષ્ણાંતોએ આ બાબતની ટીકા કરતા કહ્યું કે, એક તરફ સરકાર ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણની વાતો કરે છે અને બીજી તરફ સ્કૂલોમાં વીજળીની તંગી છે.
સરકારે બિલોની ચુકવણી માટે એક વિશેષ નીતિ નક્કી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તાજેતરમાં જ ગ્રામીણ વિસ્તારોમાં સોથી વધુ સ્કૂલોની સ્થાપના કરવાની જાહેરાત કરી છે પણ વીજળી ન હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનો ઉપયોગ નહિ કરી શકે. ઉપરાંત ઉનાળો શરૂ થશે પછી વિદ્યાર્થીઓ પંખા વિના પણ નહિ બેસી શકે. આથી ગ્રામીણ વિસ્તારની સ્કૂલોના સંચાલકોએ રાજ્ય સરકારને આ બાબતે કાયમી નીતિ ઘડવાની વિનંતી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500