નૈર્ઋત્યના ચોમાસાએ રવિવારે આખા દેશને આવરી લીધો હતો. સામાન્યપણે આખા દેશમાં આઠમી જુલાઈ સુધીમાં ચોમાસું શરૂ થતું હોય છે, પણ આ વખતે છ દિવસ વહેલું ચોમાસું આખા દેશમાં બેસી ગયું છે. દેશમાં બાકી રહેલા રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસું બેસી ગયું હતું, એમ ભારતીય હવામાન ખાતા (આઈએમડી)એ જણાવ્યું હતું.
પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બિહાર સિવાયના આખા દેશમાં ચોમાસું સામાન્યપણે જુલાઈમાં શરૂ થઈ જતું હોય છે, એમ આઈએમડીએ જણાવ્યું હતું.૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં વરસાદમાં ખાધ દેખાઈ હતી. બિહાર અને કેરળમાં સામાન્ય કરતાં ૬૯ ટકા અને ૬૦ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ દર વર્ષે જૂન મહિનામાં પડતાં સામાન્ય વરસાદ કરતાં ઓછો વરસાદ થયો છે. નૈઋત્યના ચોમાસાની ઋતુની શરૂઆત જૂનમાં થતી હોય છે.જુલાઈ – ૨૦૨૩ના આખા મહિના દરમિયાન દેશભરમાં માસિક વરસાદની સરેરાશ એલપીએનાં ૯૪થી ૧૦૬ ટકા જેટલી રહેવાની શક્યતા છે અને તે સામાન્ય વરસાદની સકારાત્મક બાજુની આસપાસ છે,
એમ આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું.દેશભરમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ (એલપીએ) ૧૯૭૧ થી ૨૦૦૦ સુધીના જુલાઈ મહિના આધારિત ગણવામાં આવે છે. આ સમયગાળામાં સરેરાશ ૨૮૦.૪ મિ.મી. ગણવામાં આવી હતી.જૂન મહિનામાં ૩૭૭ જેટલાં હવામાન કેન્દ્રોએ ૧૧૫.૬ મિ.મી.થી ૨૦૪.૫ મિ.મી. જેટલા ભારે વરસાદની નોંધણી કરી હતી. જ્યારે ૬૨ સ્ટેશનોએ ૨૦૪.૫ મિ.મી. વરસાદશગ સાથે અતિભારે વરસાદની નોંધણી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500