લોકશાહીના જતન સંવર્ધન માટે યુવા મતદારોને જાગૃત થવાની હાંકલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ, એક પણ મતદાર મતદાન વિના ન રહે તે જોવાની હિમાયત કરી હતી. ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનો ખ્યાલ આપી કલેકટરએ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મયોગીઓને શ્રેષ્ઠ કામગીરી બાબતે અભિનંદન પાઠવ્યા હતા. અન્ય જિલ્લાની સરખામણીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી, અને મતદાનમાં પણ અગ્રેસર રહેલા ડાંગ જિલ્લાની સિધ્ધિઓનો ખ્યાલ આપી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ સૌને ફરજીયાત મતદાન માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા કલેકટરએ ડાંગના પ્રજાજનો, મતદારોની જાગૃતિને પણ બિરદાવી હતી. યુવા મતદારોની નોંધણીમાં રાજ્યમાં મોખરે રહેલા ડાંગ જિલ્લાના યુવાનોને અભિનંદન પાઠવતા ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડે પ્રાસંગિક વક્તવ્યમાં, યુવાનોની શક્તિને રચનાત્મકતા માર્ગે વાળવાની અપીલ કરી, સશક્ત લોકશાહીમાં યુવા મતદારોની અગત્યતા સ્પષ્ટ કરી હતી.
ડાંગ જિલ્લાના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ના વઘઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી સહિત શ્રેષ્ઠ સુપરવાઈઝર, શ્રેષ્ઠ બ્લોક લેવલ ઓફિસર, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર, શ્રેષ્ઠ સાક્ષરતા કલબ, શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળા, શ્રેષ્ઠ નાયબ મામલતદાર, શ્રેષ્ઠ કારકુન, શ્રેષ્ઠ ઓપરેટર વિગેરે કેટેગરીના કર્મયોગીઓનું પ્રમાણપત્રો આપી સન્માન કરાયું હતું.
કૃષિ યુનિવર્સિટી-વઘઇના ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જ્યારે ચૂંટણી શાખા દ્વારા મતદાનનું મહત્વ દર્શાવતી એપ્લિકેશન અંગેની ફિલ્મનું નિદર્શન, મેં ભારત હું ગીતનું પ્રસારણ, નવા મતદારો તથા સન્માનનીય કર્મયોગીઓનો પ્રતિભાવ, તથા મતદારોએ લેવાની પ્રતિજ્ઞાનું વાંચન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કુલ ૧ લાખ ૯૩ હજાર ૩૨૮ મતદારો નોંધાયેલા છે. ત્યારે મતદારયાદી સહિતની કામગીરી માટે જિલ્લામાં ૩૩૫ મતદાન મથકો, ૩૩૫ બી.એલ.ઓ., ૩૪ સુપરવાઈઝરો, એક મતદાર નોંધણી અધિકારી, ત્રણ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, વધારાના ચાર મદદનીશ મતદાર નોંધણી અધિકારી, અને દસ કેમ્પસ એમ્બેસેડરો સેવા આપી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500