ભારત સહિત વિશ્વભરના કેસોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધી રહ્યા છે. એવામાં હવે સમગ્ર વિશ્વ ફરી કોરોનાના ભરડામાં આવી રહ્યું છે અને તેમાંથી ભારત પણ બાકાત નહીં રહે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કોવિડ-19 ઇંડિયા ટ્રેકર ડેવલપ કરનારા કેમ્બ્રિજ યુનિવર્સિટીના જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પોલ કટ્ટુમને ચેતવણી આપી છે કે, ભારતમાં જાન્યુઆરી મહિનામાં જ કોરોના વિસ્ફોટ થવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં ગણતરીના દિવસોમાં જ દૈનિક કેસોમાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળશે. કેમ્બ્રિજ યુનિ.ના નિષ્ણાત પ્રોફેસર પોલનો દાવો છે કે, આ સપ્તાહની અંદર જ સંક્રમણનું પ્રમાણ વધવા લાગશે અને જાન્યુઆરી મહિનામાં તે વિસ્ફોટક સ્થિતિ પર પહોંચી જશે. જોકે સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, જેટલી ઝડપથી કેસો વધશે તેટલી જ ઝડપથી તેમાં ઘટાડો પણ થશે, એટલે કે બહુ લાંબો સમય સુધી આ સ્ફોટક સ્થિતિ નહીં જોવા મળે.કટ્ટુમન અને ઇંડિયા કોવિડ ટ્રેકરના ડેવલપર્સમાં સંશોધકોની ટીમ પુરા ભારતમાં સંક્રમણ દરમાં વૃદ્ધિ જોઇ રહી છે. ટ્રેકરે 24મી ડીસેમ્બરના નોટમાં 6 રાજ્યોને સ્પોટલાઇટ કર્યા હતા. નવા મામલાનો વૃદ્ધિદર 5 ટકાથી પણ વધુ હોઇ શકે છે. આ ચેતવણી એવા સમયે સામે આવી રહી છે જ્યારે ભારતમાં ઓમિક્રોનના કેસો ઝડપથી વધવા લાગ્યા છે. દેશભરમાં ઓમિક્રોનના કેસો હવે 1 હજારની નજીક પહોંચી ગયા છે. નવા કેસોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં નવા 85 કેસો સામે આવ્યા છે જેને પગલે રાજ્યના ઓમિક્રોનના કુલ કેસો 252ને પાર પહોંચી ગયા છે. જ્યારે મુંબઇમાં ઓમિક્રોન સહિતના અન્ય વેરિઅન્ટના મળી કોરોનાના નવા 2510 કેસો સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ નવા 3900 કેસો સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 20 લોકોના મોત નિપજ્યા છે. ઓમિક્રોન દિલ્હીમાં વધુ વિસ્ફોટક બન્યો છે જ્યાં નવા 250થી પણ વધુ કેસો સામે આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનનું કહેવું છે કે, અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરો કે જેમના એરપોર્ટ પર ટેસ્ટ કરાયા હોય અને રિપોર્ટ તે સમયે નેગેટિવ આવ્યો હોય તેઓ થોડા દિવસ બાદ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય ફ્સાઇટ્સ શરૂ હોવાને કારણે પણ ભારતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોનાના નવા 9195 કેસો સામે આવ્યા છે જ્યારે 24 કલાકમાં જ 302 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ નવા 900થી વધુ કેસો સામે આવ્યા છે. દેશભરમાં એક્ટિવ કેસો પણ વધીને 77,002 થઇ ગયા છે એટલે કે ઓમિક્રોનના કેસો જેમ વધવા લાગ્યા છે તેમ કોરોનાના કુલ કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે કેમ્બ્રિજ યુનિ.ના નિષ્ણાતોનું કહેવુ છે કે, ભારતમાં જાન્યુઆરીમાં જ કોરોના વિસ્ફોટ થઇ શકે છે એટલે કે ભારતમાં જાન્યુઆરીમાં ત્રીજી લહેર આવી શકે છે. જેને પગલે હવે પ્રશાસન અગાઉની જેમ કોરોના સામે લડવાની તૈયારીમાં લાગી ગયું છે, અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયુ છે જ્યારે કેટલાક રાજ્યો લોકડાઉનની પણ તૈયારી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application