સુરતમાં હાઈડ્રોલિક વિભાગ દ્વારા લીકેજ રીપેરીંગ અને જોડાણની મહત્વની કામગીરી થવાની હોવાથી તા.27 જુલાઇ બપોરથી તા.28 જુલાઇ બપોર સુધી શહેરની 50 લાખની વસ્તીને પાણી પુરવઠો મળી શકશે નહી. જેથી પાણીનો સંગ્રહ કરી લેવા જણાવાયું છે. જોકે, શહેરના રાંદેર ઝોન, મોટા વરાછા, ઉત્રાણ અમરોલી વિસ્તારમાં પાણી પુરવઠો યથાવત રહશે.
સુરત મ્યુનિ.ના ઉધના ઝોનમાં ઉધના-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પાસે સવેરા કોમ્પલેક્ષની નજીકથી પસાર થતી 1524 મી.મી. વ્યાસ એમ.એસ.લાઈનમાં થયેલ લીકેજ થયું છે. અગાઉ રીપેરીંગ શરૂ કરાયું પણ વરસાદને લીધે કામ બંધ કરાયું હતું. હવે તેના રીપેરીંગની અને સાઉથ વેસ્ટ (અઠવા) ઝોનમાં વેસુ-1 જળવિતરણ મથકથી વેસુ-2 જળવિતરણ મથક સુધી નળીકા જોડાણની કામગીરી તા.27 જુલાઈના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી થશે.
રીપેરીંગની કામગીરીને લીધે શહેરના ડાંબા કાંઠે આવેલા રાંદેર ઝોન, મોટાવરાછા, ઉત્રાણ, કોસાડ અને અમરોલી વિસ્તારના લોકોના પાણી પુરવઠાને અસર નહી થાય. તે સિવાય શહેરના તમામ વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી. સુરતમાં આ સૌથી મોટો પાણી કાપ મનાય છે. મ્યુનિ. તંત્રના જણાવ્યા મુજબ તા.27થી 28 જુલાઇ દરમિયાન શહેરના 50 લાખથી વધુ લોકોને પાણી પુરવઠો મળશે નહી. જેના કારણે લોકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા તથા પાણીનો સંગ્રહ કરવા અપીલ કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500