અમદાવાદમાં અત્યાર સુધી ઘણી રેસ્ટોરન્ટ અને હોટેલમાં આપવામાં આવતા ભોજનમાંથી જીવાતો નિકળવાની ઘટનાઓ બની છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા આવા રેસ્ટોરન્ટ અને હોટલો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ હવે અમદાવાદની પ્રખ્યાત હોટલમાં બનતા ફૂડ સામે પણ સવાલો ઉભા થયા છે. અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી ફેરફીલ બાય મેરીયોટ હોટલનું કિચન સીલ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી ફેરફીલ બાય મેરીયોટ હોટલમાંથી એક ગ્રાહકે સુપ મંગાવ્યું હતું. આ સુપમાં જીવાત નિકળી હતી. ત્યારબાદ ગ્રાહક દ્વારા એએમસીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે એએમસીની ટીમ દ્વારા તપાસ કરી હતી. હોટલમાં એએમસીની ટીમ તપાસ કરવા પહોંચી તો કિચનમાં નિયમોનું પાલન કરવામાં આવતું નહોતું.
AMC એ આપેલી માહિતી પ્રમાણે ફેરફીલ બાય મેરીયોટ હોટલ, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, અમદાવાદવાળી જગ્યાની સુપમાં જીવાતની આવેલ ફરીયાદના અનુસંધાને તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ ફુડ સેફટી ઓફિસર દ્વારા રૂબરૂ તપાસ કરતા સદર જગ્યાએ કિચનમાં તેમજ કેફે એરીયામાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૮ અન્વયે શિડયુલ-૪ ના નિયમોનું પાલન કરતા જણાય આવેલ ન હોઈ તેમજ સ્થળ ઉપર શિડયુલ-૪ લગતા ડોક્યુમેન્ટ પેસ્ટ કંટ્રોલ સટીફિકેટ, મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ રજુ કરેલ હોવાથી ખાધ્ય પદાર્થ બનાવવાવાળી જગ્યાને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્યના હિતમા કિચનમાં કોઈ પણ પ્રકારનો ખાધ્ય પદાર્થ ન બનાવવા માટે ક્લોઝર નોટીસ તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૯ અન્વયેની નોટીસ આપી તાત્કાલીક અસરથી બંધ કરાવેલ છે.
એએમસીએ અન્ય એકમોને પણ ચેતવણી આપતા કહ્યું કે આવનારા ગરમીના દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ઠંડાપીણા, પેકે ડ્રિન્કીંગ વોટર, આઇસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, શરબત વિગેરેના ધંધા સાથે સંકળાયેલા એકમોની સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ ચેકીંગ કરવામાં આવશે અને ચેકીગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ /બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500