ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને આવનાર હજી થોડા દિવસો માટે ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વી ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, હિમાલયન પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને આંતરિક કર્ણાટકમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે.
મહત્વનું છે કે, બિહારના 18 જિલ્લામાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. પટના, ઔરંગાબાદ, શેખપુરા, નવાદા, મુઝફ્ફરપુર જેવા જિલ્લાઓમાં ગરમીની લહેર પ્રવર્તી રહી છે. લખનૌ હવામાન કેન્દ્રએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીના મોજાની યલો એલર્ટ ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં તાપમાન 40ને પાર જઈ રહ્યું છે અને અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ, કેરળ, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થવાનો છે.
ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વીજળી સાથે તોફાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ પવન સાથે વીજળી પડવાની છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં લોકોને વીજળીની સાથે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડશે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશમાં વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500