અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય ખૂબજ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓ અને વિવિધ મુસ્લિમ સંગઠનો પીએમ મોદી દ્વારા મંદિરના ઉદ્ઘાટનને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રામ લલ્લાના આ સમારોહ પર ટિપ્પણી કરી હતી.
બોર્ડના અધ્યક્ષ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે તે બાબત પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાનના હાથે ઉદ્ધઘાટન એટલે આ ધર્મનિરપેક્ષતા અને ન્યાયની હત્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે રામચંદ્રજીનો જન્મ તે જગ્યાએ થયો હોવાના કોઈ પુરાવા નથી.
આ ઉપરાંત એક નિવેદન જારી કરીને મૌલાના રહેમાનીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં જે થઈ રહ્યું છે તે ઘોર ક્રૂરતા છે. હાલમાં જ્યાં મંદિર બની રહ્યું છે તે જગ્યાની નીચે કોઈ મંદિર નહોતું. જેના કારણે મસ્જિદને તોડી પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે રામચંદ્રજીનો જન્મ ત્યાં છે. પરંતુ એ બાબતના કોઈ પુરાવા નથી. કોર્ટે બહુમતી સંપ્રદાયના એક વર્ગની તરફેણમાં વિશ્વાસના આધારે ચુકાદો આપ્યો છે. હિન્દુ પવિત્ર ગ્રંથોમાં આ બોબતનો કોઈ ઉલ્લેખ નથી. તેથી આ દેશની લોકશાહી પર મોટો હુમલો છે. આ નિર્ણયથી મુસ્લિમોના હૃદયને ઠેસ પહોંચી છે.
મૌલાનાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી દ્વારા રામ મંદિરનું ઉદ્ઘાટન કરાવવાનો રાજકીય ઉદ્દેશ્ય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે મસ્જિદની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં સેંકડો વર્ષોથી મુસ્લિમો નમાઝ પઢતા હતા. આ ઉપરાંત બીજી ઘણી બાબતો પર મૌલાનાએ નિવદનો આપ્યા હતા.આમ જોઈએ તો એક તરફ મુસ્લિમ બોર્ડના પ્રમુખ રામ મંદિર વિરુદ્ધ મુસ્લિમોને ઉશ્કેરવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેનાથી વિપરીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચે દાવો કર્યો છે કે રામ મંદિરમાં મોટાભાગના મુસ્લિમો દેશમાં બનતા રામ મંદિરની તરફેણમાં છે. આ ઉપરાંત મુસ્લિમ મંચે એવો પણ દાવો કર્યો હતો કે લઘુમતી સમુદાયના સભ્યો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહેલા કહેવાતા ઉલેમાઓ, મૌલાનાઓ અને વિપક્ષી નેતાઓનો ‘બહિષ્કાર’ કરવા માગે છે.
નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશભરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. આ બાબત પર પણ પર મૌલાનાએ કહ્યું હતું કે હિંદુઓ જે કરે છે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ મુસ્લિમો માટે આવા કાર્યક્રમોમાં ભાગ લેવો એ ગેર-ઈસ્લામિક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500