કેન્દ્ર સરકાર દેશની લગભગ ૧૫૦ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરે તેવી શક્યતા છે. તપાસ દરમિયાન અનેક પ્રકારની ખામીઓ બહાર આવ્યા પછી સરકાર આ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરે તેવી સંભાવના છે. નેશનલ મેડિકલ કમિશનના યુજી બોર્ડને આ મેડિકલ કોલેજોની તપાસ દરમિયાન અનેક ખામીઓ મળી આવી હતી. અત્યાર સુધી ૪૦ મેડિકલ કોલેજોની માન્યતા રદ પણ કરી દેવામાં આવી છે.
અત્યાર સુધી જે મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં ગુજરાત, આસામ, પુડુચેરી, તમિલનાડુ, પંજાબ, આંધ્ર પ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના મેડિકલ કોલેજ સામેલ છે. નેશનલ મેડિકલ કમિશને આ કોલેજોમાં કેમેરા, બાયોમેટ્રિક એટેન્ડન્સ, ફેકલ્ટી જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ ન હોવાને કારણે આ નિર્ણય લીધો છે. જોકે કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે તેમની પાસે અપીલ કરવાનો વિકલ્પ બાકી છે. આ કોલેજો માન્યતા રદ થવાના ૩૦ દિવસની અંદર નેશનલ મેડિકલ કમિશનમાં અપીલ કરી શકે છે.
આ કોલેજો બીજી અપીલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ મેડિકલ કમિશન અને મંત્રાલયને કોલેજની તરફથી મળેલ અપીલનો બે મહિનાની અંદર નિકાલ કરવાનો હોય છે. તમિલનાડુ ગવર્મેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ટી.એન.જી.ડી.એ)નાં સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રોફેસરોની અછતને પગલે તમિલનાડુની ૪૦ ટકા સરકારી મેડિકલ કોલેજોને નેશનલ મેડિકલ કમિશન તરફથી મળેલી માન્યતા રદ થવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500