સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી પસંદગી માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી નિયમો અથવા ભરતી માટેની જાહેરાત તેની મંજૂરી ના આપે ત્યાં સુધી આ ફેરફાર ગેરકાયદે ગણાય તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું છે. સુપ્રીમે ઉમેર્યું કે જો કોઈ ફેરફાર કરવામાં આવે તો તે આગામી ભરતીઓ પર લાગુ થશે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ રવિવારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે વિદાય થતાં પહેલાં તેઓ કેટલાક મહત્વપૂર્ણ ચૂકાદાઓ આપી રહ્યા છે. દરેક ખાનગી સંપત્તિઓને જાહેર હિતો માટે હસ્તગત કરી શકાય નહીં તેવો મંગળવારે ચૂકાદો આપ્યા પછી સીજેઆઈ ચંદ્રચૂડના અધ્યક્ષપદે બંધારણીય બેન્ચે ગુરુવારે સરકારી નોકરીઓ મુદ્દે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના અધ્યક્ષપદે ન્યાયાધીશો ઋષિકેશ રોય, પીએસ નરસિંહા, પંકજ મિથલ અને મનોજ મિશ્રાને સમાવતી બંધારણીય બેન્ચે જુલાઈ ૨૦૨૩માં ચૂકાદા માટે અનામત રખાયેલા કેસમાં ગુરુવારે ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તુત કેસમાં કાયદાકીય પ્રશ્ન એ હતો કે, સરકારી પદો પર ભરતી માટેના માપદંડો પસંદગી પ્રક્રિયા શરૂ થયા પછી બદલી શકાય કે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સરકારી નોકરીઓમાં ભરતી માટે અરજીઓ મંગાવવા અને ખાલી પદો ભરવા માટે જાહેરાત આપવા સાથે ભરતી પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાર પછી માપદંડના નિયમોને બદલી શકાય નહીં. વધુમાં ભરતીના નિયમો પણ કલમ ૧૪ (સમાનતાના અધિકાર) અને ૧૬ (જાહેર રોજગારમાં બિન ભેદભાવ)ના માપદંડને પૂરા કરતા હોવા જોઈએ. જોકે, પસંદગી યાદીમાં સ્થાન મળવાથી ઉમેદવારને નોકરી મેળવવાનો અધિકાર મળી જતો નથી. રાજસ્થાન હાઈકોર્ટમાં વર્ષ ૨૦૧૩માં અનુવાદકોની ભરતીમાં અધવચ્ચે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, ભરતી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ હોવી જોઈએ, જેથી બધા ઉમેદવારોને સમાન તકો મળે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500