દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી માટે હમેશા કપરાં ચઢાણ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે તમિલનાડુથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત મળી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે ગૃહ મંત્રી અમિત શાહના તમિલ વડાપ્રધાન બને એવા નિવેદનથી પક્ષની આ સ્ટ્રેટેજીને વધારે બળ મળી રહ્યું છે. વર્ષ-૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેની બંને બેઠક જીતી વડાપ્રધાન પદના દાવેદાર તરીકે મોદીએ પોતાની દેશવ્યાપી લોકચાહનાનો પરિચય આપ્યો હતો. આ પછી બીજી વખત પણ તેમણે વારાણસીથી ચૂંટણી જીતી હતી. બંને વખતે, બંને રાજ્યોમાં નરેન્દ્ર મોદી લોકસભા લડી રહ્યા હોવાથી ભાજપને મોટો ફાયદો થયો હતો.
વડાપ્રધાન બન્યા બાદ મોદીએ વારાણસી શહેરની કરેલી કાયાપલટ પણ તેમને ફાયદો કરાવી શકે એમ છે. છેલ્લા પાંચ દાયકાથી તમિલનાડુના રાજકરણ ઉપર ડીએમકે અને એઆઈડીએમકેનું પ્રભુત્વ રહ્યું છે. કોંગ્રેસ કે અન્ય કોઇપણ રાષ્ટ્રીય પક્ષને સ્થાનિક પક્ષ સાથે જ હાથ મિલાવી ચૂંટણી લડવી પડે છે. આ સ્થિતિમાં વડાપ્રધાન પોતે ચૂંટણી લડે તો ભાજપને બહુ મોટો ફાયદો થઇ શકે એવી પ્રાથમિક ગણતરી કરવામાં આવી રહી છે. અમિત શાહે બંધ બારણે થયેલી બેઠકમાં તમિલ વ્યક્તિ વડાપ્રધાન બને કે આગામી વડાપ્રધાન તમિલનાડુમાંથી આવશે એ પ્રકારની વાત કરી છે.
આ અંગે ત્યારે કોઈ સ્પષ્ટ ચર્ચા નથી પણ એટલું ચોક્કસ છે કે, અગામી ચૂંટણીમાં આ રાજ્યમાંથી સૌથી વધુ બેઠક જીતનાર પક્ષ તરીકે ભાજપ ઉભરી આવે એ માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે. તમિલ પ્રજા માટે સુપરસ્ટાર રજનીકાંત એક મોટું ગૌરવ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ સ્થાનિક રીતે મોટો પ્રભાવ અને લોકચાહના ધરાવતા સુપરસ્ટારની મદદ પણ મેળવી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક પ્રજા માટે ગૌરવ ગણાતા અન્ય ક્ષેત્રના અગ્રણીઓ, એચીવર્સ અને સિદ્ધિ મેળવનાર લોકો સાથે ભાજપે અત્યારથી સંપર્ક શરૂ કરી વડાપ્રધાન માટે યોગ્ય બેઠકની શોધ શરૂ કરી દીધી છે.
તમિલનાડુ રાજ્યમાં કુલ ૩૯ લોકસભાની બેઠકો છે. વર્ષ ૨૦૧૪માં ભાજપને બે અને ૨૦૧૯માં એકપણ બેઠક મળી ન હતી. કેરળમાં હિન્દુત્વવાદ અને તમિલનાડુમાં સ્થાનિક તમિલ ભાષા, સંસ્કૃતિ અને તેના ગૌરવને વધુને વધુ પ્રાધાન્ય આપી ભાજપે અત્યારથી જ ૨૦૨૪ની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાયો હતો. આ પછી નવા બાંધવામાં આવેલા સંસદ ભવનમાં વડાપ્રધાને 'સેન્ગુલ'ના પ્રતિકની સ્થાપના કરી તેને દેશની આઝાદીના પ્રતિક તરીકે લેખાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500