ગાંધીનગરનાં કલોલ શહેરનાં રાધેશ્યામ બેકરીની પાછળ ગણેશ સોસાયટી ઇન્દીરાનગર ખાડા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય વૃદ્ધ તેની પત્ની સાથે સામાજીક કામ અર્થે વતન રાજસ્થાન ગયા હતા. તે દરમ્યાન તેમના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો રૂપિયા 3.90 લાખનાં સોનાનાં દાગીનાં ચોરી ફરાર થઈ જતાં પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલ રાધેશ્યામ બેકરીની પાછળ ગણેશ સોસયટી ઇન્દીરાનગર ખાડામાં રહેતા મૂળ રાજસ્થાનનાં ડુંગરપુરનાં વતની ગટુલાલ ખેમાજી પંચોલી કડિયા કામ કરી કરે છે. જેમના બે દિકરા પરીવાર સાથે અમદાવાદ રહે છે. ગત તા.29મી જુલાઈનાં રોજ ગટુલાલ અને તેમની પત્ની પાર્વતીબેન સામાજીક કામ અર્થે વતનમાં ગયા હતા.
તે વખતે મકાનની ચાવી બાજુમાં રહેતા તેમના સગા-નાના ભાઇ રમણલાલ પંચોલીને આપીને ગયા હતા. જોકે નાના ભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે, ઘરનું તાળુ તૂટેલ હાલતમાં છે. આથી ગટુલાલ બપોરના સમયે પરત કલોલ આવી ગયા હતા. બાદમાં ઘરમાં જઈને તપાસ કરતાં મુખ્ય દરવાજો ખુલ્લો હતો. જેથી ઘરમાં જઇ વધુ તપાસ કરતા પાછળનાં રૂમમાં મુકેલ તીજોરીમાંથી ચાવી લાગેલ હતી અને તિજોરી ખુલ્લી હાલતમાં હતી. જેમાં મુકેલ સર સામાન રૂમમાં વેરિવખેર હાલતમાં પડ્યો હતો અને તીજોરીના ડ્રોવરના ચોરખાનામાં મુકેલ બે તોલાનો સોનાનો સેટ, સોનાની ચેઇન, ત્રણ સોનાની વીંટી, ત્રણ તોલાની છ સોનાની બંગડી મળી કુલ રૂપિયા 3.90 લાખનાં દાગીના ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. બનાવ અંગે ફરિયાદ આપતાં કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500