Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેપારીના બંધ મકાનમાંથી રૂપિયા 6 લાખથી વધુની ચોરી

  • November 22, 2023 

સુરતના સુમુલડેરી રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વૃદ્ધ કાપડ વેપારી પત્ની સાથે દમણ તેમના બીજા ઘરે ગયા હતા જયારે તેમનો પુત્ર પરિવાર સાથે મથુરા ફરવા ગયો હતો ત્યારે બે ચોર રસોડાની બારી ખોલી લોખંડની ગ્રીલ કાઢી ઘરમાં પ્રવેશી રોકડા રૂપિયા 5.50 લાખ, સોના-ચાંદીના દાગીના, ઘડીયાળ વિગેરે મળી કુલ રૂપિયા 6.88 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના સુમુલડેરી રોડ શ્રદ્ધા સોસાયટી બંગલા નં.16માં રહેતા 70 વર્ષીય કાપડ વેપારી ભરતકુમાર રમણલાલ ખંભાતી ગત તારીખ 15મી’નાં રોજ પત્ની રંજનબેન સાથે દમણ તેમના બીજા ઘરે રોકાવા ગયા હતા.



જયારે તેમનો પુત્ર અભિષેક પરિવાર સાથે મથુરા ફરવા ગયો હતો. દરમિયાન, ગત મળસ્કે 3.10 કલાકે તે સુતા હતા ત્યારે મોબાઈલ ફોનમાં સુરતના ઘરના હોલમાં કોઈક વ્યકિત હલનચલન કરે છે તેવું નોટિફિકેશન આવતા તેમણે હોલના CCTV ફૂટેજ ચેક કર્યા તો હોલમાં બે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી ફરતા નજરે ચઢ્યા હતા. આથી તેમણે બાજુના બંગલા નં.14માં રહેતા ભાઈ પ્રવિણચંદ્રને ફોન કરતા તે પુત્ર પરિમલ અને સોસાયટીના રહીશોને ઉઠાડી પોલીસને જાણ કરી પોલીસ આવતા તેમની સાથે બંગલામાં ગયા તો બંને ચોર પાછળથી ભાગી ગયા હતા.



ભરતકુમારે સુરત આવી બંગલામાં જોયું તો પાછળની રસોડાની બારી તોડી લોખંડની ગ્રીલ સ્ક્રુ ખોલી સાઈડમાં કરી હતી. ઘરમાં સામાન વેરવિખેર હતો અને રૂમમાં કબાટના લોક તૂટેલા હતા. ચોર તેમના બેડરૂમના કબાટમાંથી રોકડા રૂપિયા 4.50 લાખ, રૂ.75 હજારની ચાંદીની 15થી 17 જોડી પાયલ તેમજ બાજુના પુત્રના રૂમના કબાટમાંથી રોકડા રૂ.1 લાખ, રૂ.45 હજારની મત્તાનું સોનાનું કંગન અને રૂ.18 હજારની મત્તાની ઘડીયાળ ચોરી ગયા હતા. ચોર રાત્રે 1.31 કલાકે ઘરમાં ઘુસ્યા હતા અને 3.10 નીકળ્યા હતા આમ કુલ રૂપિયા 6.88 લાખની ચોરી અંગે ભરતકુમારે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News