કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાબાગ વલ્લભાચાર્ય રોડ પર આવેલ મેલડી માતાનું મંદિર અને બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ મહાદેવના મંદિરને તસ્કરોઍ નિશાન બનાવ્યા હતા. રાત્રીના સમયનો લાભ લઇ અજાણ્યા ચોર ઇસમો બંને મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ્ય હતા. તસ્કરો મેલડી માતાના મંદિરમાંથી ૩૨ હજાર અને મહાદેવના મંદિરમાંથી ૧.૯૬ લાખ મળી કુલ ૨.૨૮ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે કાપોદ્રા પોલીસે બંને બનાવમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત ઍવી છે કે અમરોલી કોસાડ રોડ પર વર્ણીરાજ રેસિડેન્સીમાં રહેતા અશ્વીનભાઇ રવજીભાઇ નારોલા ઍ કાપોદ્રા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓઍ જણાવ્યું હતું કે કાપોદ્રા, હિરાબાગ વલ્ભાચાર્ય રોડ પર આવેલ મેલડીમાંના મંદીરમાં ગત તારીખ ૨૨/૦૬/૨૦૨૧ના રોજ મળસ્કે ૩.૪૫ વાગ્યાના અરસામાં બે અજાણયા ચોર ઇસમો ત્રાટક્યા હતા. બંને ચોર ઇસમોઍ મંદિરના મુખ્ય દરવાજાથી પ્રવેશ કરી અંદરના દરવાજાનું લોક તોડી અંદર આવ્યા હતા. ત્યારબાદ બંને ચોર ઇસમોઍ મેલડીમાંના મંદીરમાં માતાજી પર ચડાવેલ નાના-મોટા ચાંદીના સત્તરો નંગ-૧૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે પોલીસે અશ્વિનભાઇની ફરિયાદ લઇ ૩૨ હજારની ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો હતો.
બીજા બનાવમાં મૂળ ભાવનગરના રૂપાવટી ગામના વતની અને સુરતમાં વરાછા રોડ પર નવી શક્તિવિજય સોસાયટીમાં રહેતા ગૈરાગભાઇ હરેશભાઇ ગોંડલીયા પુજારી છે. કાપોદ્રામાં બરોડા –પ્રેસ્ટીજ પાસે આવેલ સોમેશ્વર મહાદેવના મંદીરમાં તેઓ પૂજારી તરીકે સેવા આપે છે. ગત તારીખ ૨૪/૬/૨૧ ના રોજ રાત્રે મંદિર બંધ હતું ત્યારે રાત્રે ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ બે અજાણ્યા ચોર ઇસમો તેમના મંદિરમાં ત્રાટક્યા હતા. બંધ મંદિરના દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર વેશી રાત્રીના સમયનો લાભ લઇ સોમેશ્વર મહાદેવના મંદીરમાં મહાદેવના શિવલીંગ પર ચડાવેલ ચાંદીના ગળતી, શેષનાગ તથા સત્તર જેનો વજન આશરે ૬૩૦૦ ગ્રામ મળી કુલ ૧,૯૬,૦૦૦ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે કાપોદ્રા પોલીસે પૂજારી ગૌરાંગભાઇની ફરિયાદ લઇ અજાણ્યા ચોર ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500