નડિયાદ નજીક ડુમરાલ ખાતે આવેલી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂપિયા 1.94 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નડિયાદ નજીક ડુમરાલ ખાતે ગોકુલધામ સોસાયટીના મકાન નંબર-30માં રહેતા જૈમીનભાઇ નારાયણભાઈ ગોર ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ પોતાના પરિવાર સાથે અમદાવાદના ઘાટલોડિયા ખાતે સગા સંબંધીઓની ખબર કાઢવા માટે ગયા હતા. જોકે જૈમીનભાઈના પાડોશીએ તેમના મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતાં ચોરી થઈ હોવાની આશંકાના આધારે જૈમીનભાઈ તુરંત જ ડુમરાલ દોડી આવ્યા હતા.
જ્યાં તપાસ કરતા મકાનનો દરવાજો તૂટેલો હતો અને ઘરમાં લાકડાના કબાટ તેમજ પેટી પલંગમાં બધું જ વેરવિખેર પડયું હતું. કબાટમાં તપાસ કરતાં સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં જૈમીનભાઇની માતાના જુના સોનાના દાગીનામાં તસ્કરો સોનાનું મંગળસૂત્ર રૂપિયા 80 હજારની કિંમતનું, સોનાની બે જોડ બુટ્ટી અને એક જોડ કડીઓ મળી આશરે ત્રણ તોલાની 90,000/-ની કિંમતની, હાથે પહેરવાની ચાંદીની લકી રૂપિયા બે હજારની કિંમતની તથા નાની બાળકીના પગે પહેરવાની ચાંદીની કડીઓ બે હાજરની કિંમતની અને રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 1,94,000/-ની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. બનાવ અંગે જૈમીનભાઇની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500