સુરતના વરાછા રોડ ખાતે એમ્બ્રોઈડરી જોબ વર્કનું ખાતું ધરાવતા સરથાણાના યુવક પાસેથી માતાજીની ચૂંદડી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહી કાપડ મંગાવી અમદાવાદ રખીયાલ ખાતે ઓફિસ અને ઓઢવ ખાતે ખાતું ધરાવતા ત્રણ વેપારી બાકી રૂપિયા 66.84 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ જતા વરાછા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર ઉમરાળાના કેરીયા ગામના વતની અને સુરતમાં સરથાણા સીમાડા નાકા મીરા એવન્યુમાં રહેતા 40 વર્ષીય ઉમેશભાઇ તળશીભાઇ ખુંટ વરાછા રોડ વર્ષા સોસાયટી પાસે શિવાપાર્ક સોસાયટી વિભાગ 2 ખાતા નં.20,21 ચોથા માળે ગોપાલ ફેશનના નામે એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે.
તેમના ફ્લેટની ઉપર રહેતા કાપડ દલાલ દિનેશભાઇ કેવડીયા ગત એપ્રિલ માસમાં તેમના પરિચિત વેપારી મહેશભાઈ પટેલ (ગજેરા) અને વિશાલ પ્રાગજીભાઇ મીયાણી (રહે.ડી/302, શીવપુજન ડુપ્લેક્ષ, ચાંદખેડા, જનતા નગર રોડ, અમદાવાદ)ને તેમની ઓફિસે લાવ્યા હતા. અમદાવાદ રખીયાલ અજીત મિલ ચાર રસ્તા સુમેલ બિઝનેસ પાર્ક સફલ 8માં રીષભ ટ્રેડીંગના નામે કાપડનો વેપાર કરતા બંનેએ અમને માતાજીની ચૂંદડી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહી કાપડ મોકલવા કહ્યું હતું. ઉમેશભાઈ અમદાવાદ જતા તેઓ તેમને પોતાની ઓફિસે અને ઓઢવ એસ.પી.રીંગરોડ બાર્સોલોના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત ખાતા પર લઈ ગયા હતા. આથી ઉમેશભાઈએ તેમને 22મે થી 29 જુલાઈ દરમિયાન કુલ રૂપિયા 69,44,212ની મત્તાનું કાપડ તેમને મોકલ્યું હતું. તે પૈકી તેમણે માત્ર રૂપિયા 2.50 લાખ ચૂકવ્યા હતા.
તેમણે આપેલા રૂપિયા 4 લાખના ચેક રીર્ટન થતા અને મહેશભાઈનો મોબાઈલ ફોન લાગતો ન હોય વ્હોટ્સએપ મેસેજ કરતા તેમણે બાંગ્લાદેશ છું આવીને પેમેન્ટ કરીશ તેમ કહેતા ઉમેશભાઈને શંકા ગઈ હતી. આથી તેમણે રીષભ ટ્રેડીગની ઓફિસ અને ઓઢવના ખાતા પર જઈ તપાસ કરી તો તે બંધ કરી મહેશ, વિશાલ અને તેમનો ભાગીદાર લાલજીભાઇ પ્રવિણભાઇ ગજેરા ઉઠમણું કરી ફરાર થઈ ગયા હોવાની જાણ થઈ હતી. બાકી રૂપિયા 66.84 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર ત્રણેય વિરુદ્ધ ઉમેશભાઈએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500