દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઘુટીયા ગામે છોકરી ભગાડી જવાના મામલે થયેલ સશસ્ત્ર ધિંગાણામાં ટોળાએ લાકડીઓ વડે કેટલાક ઘરોના નળીયા તોડી નાંખી ઘરવખરીના સામાનની તોડફોડ કરી અનાજ વેરવિખેર કરી નુકસાન પહોંચાડયું હતું. જ્યારે બે મહિલા સહિત છ શખ્સોએ ઘરના વાડામાં બાંધેલી ગાયને લાકડીઓ મારી મોત નિપજાવ્યું હતું. મળતી માહિતી મુજબ, ઘુટીયા ગામનો યુવાન ફળિયાની યુવતીને લગ્નના ઈરાદે ભગાડી ગયો હતો. જેના સમાધાન બાબતે બે પરિવારના સભ્યો લીમખેડા મળ્યા હતાં. જેમાં ભાભોર પરિવારના યુવાનનું ઘરે પરત ફરતાં સમયે રસ્તામાં અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
જેથી ઉશ્કેરાયેલા ભાભોર કુટુંબના રમેશભાઈ વિસલાભાઈ, કડુભાઈ સુકલાભાઈ મથુરભાઈ વિસલાભાઈ, મનસુખભાઈ દિતાભાઈ, ધુળીબેન રમેશભાઈ તથા ચંપાબેન કડુભાઈ વગેરેએ ગઈકાલે સવારે લાકડીઓ સહિતના હથિયારો લઈ ફળિયામાં રહેતા મગનભાઈ વરસીંગભાઈ બારીયા તથા અન્યના ઘર પાસે આવી બેફામ ગાળો બોલી હુમલો કર્યો હતો. તેમજ 'તમો અમોને લીમખેડા ગામે છોકરી લેવા નહીં બોલાવતા તો અમારો ભાઈ એક્સીડન્ટમાં નહીં મરતો' તેમ કહી મગનભાઈ વરસીંગભાઈ બારીયા તથા તેના માણસોના ઘરોના નળીયા તોડી નાંખી, ઘરમાં મૂકેલ તમામ ઘરવખરી સામાનની તોડફોડ કરી તથા અનાજ પણ વેરવિખેર કરી નુકસાન પહોંચાડયું હતું. તેમજ મગનભાઈ બારીયાના ઘરમાં બાંધેલી ગાયને પણ લાકડી મારી મોત નિપજાવી મગનભાઈ તથા તેમના ઘરના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધિંગાણું મચાવ્યું હતું. બનાવ અંગે લીમખેડા પોલીસે રાયોટીંગનો તેમજ ગૌ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500