ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી યુવતીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલ બનાસકાંઠાનાં યુવકે સિવિલથી યુવતીને બાઈક ઉપર બેસાડી કુડાસણની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી બે દિવસ અગાઉ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની બૂમરાણ ઉઠતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી. સિવિલમાં દાખલ યુવતીનાં લોહીથી ખરડાયેલ કપડાં જોઈને તેની ભાભીએ અઘટિત ઘટના ઘટી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ મામલે તપાસ અર્થે ગયેલ પોલીસની તપાસમાં યુવતી પિરિયડમાં હોવાની વાત બહાર આવી હતી.
બીજી તરફ યુવતીએ રિક્ષામાં બેઠા પછી પાણી પીધું હતું. એ પછીની ઘટના કશું યાદ નહીં હોવાનું પણ રટણ કર્યું હતું. જો કે પોલીસે યુવતીનું વિગતવાર નિવેદન લઈ મેડિકલ પરીક્ષણ કરાવતા સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. આ અંગે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના એક ગામમાં રહેતી 21 વર્ષીય યુવતી ઇસ્ટાગ્રામ થકી ત્રણેક મહિનાથી બનાસકાંઠાના વિક્રમ ચૌધરી નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. જેથી બંને અવારનવાર એકબીજાને મેસેજ કરી વાતચીત કરતાં હતાં. ગત તા. 29 મી ફેબ્રુઆરીએ યુવતી સિવિલમાં દાખલ તેની ભાભીની ખબર કાઢવા માટે ગઈ હતી. ત્યારે સાંજના સાડા ચારેક વાગે વિક્રમે ઇન્સટાગ્રામ મારફતે મેસેજ કરી મોબાઇલ નંબર માંગ્યો હતો.
આથી યુવતીએ સીધો જ વિક્રમને ફોન કર્યો હતો. એટલે વિક્રમે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ તરફની બાજુ ઊભો હોવાનું કહી તેને મેડીકલ સ્ટોર્સ બાજુ મળવા બોલાવી હતી. વિક્રમ પહેલી વખત મળવા આવ્યો હોવાથી યુવતી તેને મળવા ગઈ હતી. અત્યાર સુધી ઓનલાઈન માધ્યમથી એકબીજા વિડિઓ કોલથી વાતો પણ કરતા હોવાથી યુવતી વિક્રમને ઓળખી ગઈ હતી. બાદમાં વિક્રમ દસ મિનિટમાં પાછા આવીએ કહીને યુવતીને બાઈક ઉપર બેસાડી કુડાસણની એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં થોડીક વાતચીતના અંતે વિક્રમે કહેલ કે પહેલી વખત મળ્યા હોવાથી કઈ કરવું જોઈએ કહીને બળજબરી કરી હતી. જેનો યુવતીએ વિરોધ કર્યો છતાં વિક્રમે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જેનાં કારણે યુવતીને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં યુવતીને સિવિલ ઉતારીને વિક્રમ પાર્કિંગમાં બાઈક મૂકીને આવું છું કહીને નીકળી ગયો હતો. બીજી તરફ પરિવારજનો શોધખોળ કરતા કરતા યુવતી પાસે પહોંચ્યા હતા. અને લોહીથી ખરડાયેલ કપડાં જોઈને ચોંકી ઉઠયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે વિક્રમ ચૌધરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500