આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીમાં રૂ.1 કરોડના ખર્ચે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદી જેવા પંચ ધાતુમાંથી નિર્મિત 2200 કિલો વજની વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટ લાંબુ શ્રી યંત્ર મેરૂ સ્થાપિત કરાશે.
અમદાવાદ જય ભોલે ગ્રૂપ દ્વારા આ અનુસંધાને 20મી એપ્રિલથી ચાર ધામની યાત્રાનો પ્રારંભ કરાશે. જેને બનાસકાંઠા કલેકટર લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જે દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ પૂરી, રામેશ્વરમ, તિરૂપતિ બાલાજી, કોલ્હાપુર મહાલક્ષ્મી માતાના દર્શન કરશે. યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય અને 11 હજાર કિ.મી.ની મુસાફરી થશે. આદ્યશક્તિ માં અંબામાં અનન્ય આસ્થા ધરાવતા જય ભોલે ગ્રૂપ અમદાવાદના દીપેશભાઇ પટેલ અને સભ્યો દ્વારા શ્રી યંત્ર મેરૂના નિર્માણમાં કોઇ વિઘ્ન ના આવે અને નિર્વિઘ્ને શ્રી યંત્ર પૂર્ણ થાય તે માટે 32 કિલોના શ્રી યંત્રની પ્રતિકૃતિ સાથે ચાર ધામની યાત્રા કરાશે. જેથી માર્ગમાં આવતાં દરેક મંદિર-ધામમાં પૂજા થશે. અંદાજે 1200 વર્ષ પહેલાં શ્રુંગેરી મઠના શંકરાચાર્ય દ્વારા મઠમાં સુવર્ણનું શ્રી યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરવામાં આવી હતી. આથી દીપેશભાઇ શ્રી યંત્રના નિર્માણમાં શ્રુંગેરી મઠના શંકરાચાર્યનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવી શાસ્ત્રોમાં વર્ણિત વિધિ વિધાન સાથે આ શ્રી યંત્રનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં શ્રી શ્રી ભગવતી રાજ રાજેશ્વરી શ્રી વિદ્યામંદિર, હિમાચલ પ્રદેશના દંડી સ્વામી શ્રી જયદેવાંગ મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500