ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદનું સૌપ્રથમ સત્ર મંગળવારે યોજાનારું છે. તે પૂર્વે આજે નવા ચૂંટાયેલાં તમામ ધારાસભ્યો શપથ લેશે. આ ધારાસભ્યો શપથ લે તે પછી જ તેમનાં પગાર ભથ્થાં શરૂ થતાં હોવાનો નિયમ છે તેથી મંગળવારથી તેમનો પગાર શરૂ થશે અને દર મહિને તેમના ખાતામાં ભથ્થાં સહિત જમા થશે. આ પછી બીજા દિવસે સત્રની એક દિવસની પ્રથમ બેઠક મળશે.
આ બેઠકમાં સૌથી પહેલાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ ૫૨ લેવાશે. ભાજપે આ માટે શંકર ચૌધરીનું નામ નક્કી કર્યું છે. ગુજરાત વિધાનસભામાં તેની પરંપરા અનુસાર અધ્યક્ષની ચૂંટણી કરવાને બદલે સર્વ સંમતિથી દરેક પક્ષો એક નામ પસંદ કરે છે જે સત્તાપક્ષ તરફથી દરખાસ્ત તરીકે આવ્યું હોય.
આ રીતે શંકર ચૌધરી નિર્વિરોધ અને સર્વસંમતિથી અધ્યક્ષ બનશે. તે પછી ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના જેઠા ભરવાડની બહુમતીને કારણે નિમણૂંક કરવામાં આવશે. ચૂંટણી પછીની આ પહેલું સત્ર છે અને ચૂંટણી પહેલાં મોરબીનો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી જેને લઇને આ બેઠકમાં વિપક્ષ ચર્ચા માટેનો પ્રસ્તાવ લાવી શકે છે. પરંતુ આ વખતે વિપક્ષ સાવ 26 સભ્યોનો હોવાથી કોઇ વિશેષ ઉગ્ર દલીલો થાય તેવી શક્યતા નહિવત્ છે. લગભગ સાવ નિરસ અને ઔપચારિક પ્રક્રિયા બાદ સાંજે આ પ્રથમ સત્રની પૂર્ણાહુતિ જાહેર કરાશે, જે પછી બજેટ માટે ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સત્ર બોલાવાશે.
ગુજરાત વિધાનસભામાં આ વખતે ચાર અપક્ષ ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા છે. થોડા સમય પહેલાં ચાર પૈકી ત્રણ ધારાસભ્યો, ધાનેરાના માવજી દેસાઇ, બાયડના ધવલસિંહ ઝાલા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિપક્ષમાં રહે છે કે ભાજપને સમર્થન જાહેર કરે છે તે જોવું રહેશે. ભાજપ સાથે અગાઉ જોડાયેલાં આ ધારાસભ્યોએ ગયા સપ્તાહે એક બેઠક કરીને ભાજપને ટેકો આપવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500