Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને વ્યારા તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩નો શુભારંભ કરાયો

  • November 28, 2023 

માહિતી વિભાગ, તાપી : રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રીકતા ખેડુતો સુધી પહોંચાડવા, વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડુતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે સૌપ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આ વર્ષે પણ સમગ્ર ગુજરતમાં ખેડુતોને માર્ગદર્શન મળે તે માટે તમામ ૨૪૮ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કક્ષાનો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને, તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડુતોને પગભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે જેના કારણે આજના ખેડુતો ચીલાચાલુ ખેતીથી કંઇક અલગ નવી ખેતી પધ્ધતિ, આધુનિક ઢબે ખેતી કરતા થયા છે.



ઉપસ્થિત સૌને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારે આ વર્ષને મીલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યુ છે ત્યારે આપણે સૌએ મીલેટ્સ ધાન્યનો ઉપયોગ કરીએ, આપણા શરીરને સ્વસ્થ રાખીએ, ખેડુતોની આવક બમણી થાય તે માટે આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરતા થાય તે જરૂરી છે. તમામ ખેડુતો અહીંયાથી આપવામાં આવતા કૃષિલક્ષી જ્ઞાનનુ ભાથું લઇ પોતાની ખેતીમાં તેનો અમલ કરી ઝેરમુક્ત ખેતી અને ઝેરમુક્ત ઉત્પાદન કરતા થાય તેવી ધારાસભ્યએ આશા વ્યકત કરી હતી. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય અધિકારીએ અન્ન મિલેટ્સ અંગે વિસ્તુત જાણકારી આપતા જણાવ્યું હતું કે આપણી જીવન શૈલી બદલી મિલેટ્સને આપનાવીશું તો આપણને સ્વાસ્થ્યલક્ષી ઘણા લાભો થશે.



પ્રાસંગિક પ્રવચન અપાતા જિલ્લા ખેતીવાડી અધિકારીએ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત ચાલનાર આ દિવસીય રવિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમ તથા પશુ આરોગ્ય મેળા અંગે વિસ્તુત જાણકારી હતી. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા, ખેતી પાકોમાંથી ઇથેનોલનું ઉત્પાદન, બાગાયત પાકો અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ. તાપી જિલ્લાના સફળ ખેડૂત પ્રતીકભાઈ ચૌધરી અને સુરેશભાઈ ગામીતે પોતે કરેલી પ્રકૃતિક ખેતી અને તેના દ્વારા થયેલા ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. તેમને સૌ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.



આ સાથે અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના જીવંત પ્રસારણને નિહાળીને રાજ્યવ્યાપી 'રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩' અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે કૃષિ ફિલ્મ પણ નિહાળવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે બેસ્ટ ફાર્મર એવોર્ડ, ખેતીવાડી/બાગાયત/પશુપાલન ખાતાની યોજનાઓના મંજુરી પત્રો, ખેડૂતનું સન્માન, ચેક/પેમેન્ટ ઓડર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડુતમિત્રોએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા હતા. નોંધનીય છે કે, આજે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમના સ્ટોલ નિદર્શન અને પશુ પાલન શાખા દ્વારા પશુ સારવાર કેમ્પનુ પણ તાલુકા વાર આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application