Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિજાતિ જીવનશૈલીથી પરિચિત થતા મસુરી તાલીમ સેન્ટરના ટ્રેઈની અધિકારીશ્રીઓનો નર્મદા જિલ્લાનો પ્રવાસ યાદગાર બન્યો

  • September 02, 2023 

લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી, મસુરી ખાતે તાલીમ લઈ રહેલા ૧૪ જેટલા ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની ઓફિસર્સ, એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં સર્વ ટ્રેઈની અધિકારીશ્રીઓએ પ્રકૃતિના ખોળે વસેલા આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા નર્મદામાં દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ જેવા ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતા આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા વિષય પર ઝીણવટપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આદિજાતિ માટે શિક્ષણ, આરોગ્ય, પોષણ, આર્થિક વિકાસ, રસ્તા, વીજળી, પીવાનું પાણી, જેવી મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધાઓ સહિત તેમને વિકાસની મુ્ખ્ય હરોળમાં લાવવા માટે, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી અનેકવિધ યોજનાઓનો લાભ લઈ રહેલા આદિવાસી સમાજના બાળકો, માતા, વિદ્યાર્થીઓ, યુવાનો સાથે સંવાદ કર્યો હતો.



તાલીમાર્થી અધિકારીશ્રીઓએ આદિવાસી જીવનશૈલી અને આજીવિકા અંગે ઝીણવટપૂર્ણ માહિતી મેળવીને જાત નિરિક્ષણ કર્યુ હતુ. જ્યાં તેઓ આદિવાસી સમુદાયના ભાઈ-બહેનો માટે વાંસની અદભૂત કારીગરી, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓના નિર્માણ થકી ઉભી થયેલી રોજગારની તકોથી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે ટ્રેઈની આઈએએસ ઓફિસર વૈષ્ણવી પૌલએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા જણાવ્યું કે, સ્વસહાય જૂથ દ્વારા તૈયાર કરાયેલી ગુણવત્તાયુક્ત વાંસ આધારિત ચીજ વસ્તુઓ તથા હસ્તકલા રાજ્ય-રાષ્ટ્ર સુધી સિમિત ન રહેતા વૈશ્વિક સ્તરે પહોંચે, તેની માંગ વધે અને સંપૂર્ણ વિશ્વ, ભારત દેશના સમૃદ્ધ ટ્રાયબલ કલ્ચર વિશે અવગત થાય તે આવશ્યક છે. ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને પરંપરાગત “મિલેટ્સ” આહારને અપનાવવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારશ્રીના પ્રયાસોથી મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાના પ્રચાર-પ્રસાર માટે સમયાંતરે કાર્યક્રમોના આયોજન થકી હેન્ડીક્રાફ્ટ વેચાણ મેળાઓ તથા એક્ઝિબિશન યોજવામાં આવે છે. સરકારી યોજનાઓ થકી ગ્રામ્ય નારીઓમાં આત્મવિશ્વાસ અને સ્વયંની શક્તિઓને ઓળખવાની તક સાંપડી છે. રાજ્ય સરકાર આદિજાતિ સમુદાયના વારસાગત વાંસકામ વ્યવસાયને સંકલિત કરી રોજગારીની શ્રેષ્ઠ તક ઉભી કરી છે.



બહેનો સારી રીતે આર્થિક ઉપાર્જન મેળવી રહી છે, તેમજ આ વ્યવસ્યા વેગવાન બનાવીને સ્વસહાય જૂથ/બહેનોને સ્વનિર્ભર બનાવવાની દિશામાં રાજ્ય સરકારે પણ સરાહનીય પ્રયાસો કર્યા છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિના હિત અને ઉત્કર્ષની દિશામાં લીધેલા અનેક સંવદેનાસભર નિર્ણયો થકી આજે આદિજાતિ સમુદાયને વિકાસની મુખ્ય ધારામાં લાવવા રાજ્ય સરકારને સફળતા મળી છે. દરેક આદિજાતિ પરિવાર સુખી, શિક્ષિત, આરોગ્યપ્રદ અને આર્થિક રીતે સધ્ધર રહે તેવા વડાપ્રધાનશ્રીના સ્વપ્નને ચરિતાર્થ કરી રહેલી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારે આદિજાતિ સમુદાયના શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળીથી લઈને તમામ પ્રકારની માળખાગત સુવિધાઓ આપવા તેમજ છેવાડાનો કોઈ પણ માનવી સુખ, સુવિધા કે સમૃધ્ધિથી વંચિત ન રહી જાય તેની સતત ચિંતા કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application