નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર ડ્રાઈવિંગ હવે તારીખ 1 એપ્રિલથી થોડું મોંઘું થઈ શકે છે કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ટોલ ટેક્સમાં 5-10 ટકાનો વધારો થઈ શકે છે. ટેરિફમાં આ ફેરફાર દર વર્ષે નેશનલ હાઈવે ફી નિયમો, 2008 મુજબ થાય છે. કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રીપ 5 ટકા અને ભારે વાહનો માટે ટોલ ટેક્સમાં 10 ટકા જેટલો વધારો થશે. ટોલ ટેક્સનાં નવા દર માટેનો પ્રસ્તાવ એન.એચ.એ.આઈ.નાં તમામ પ્રોજેક્ટ અમલીકરણ એકમોને 25 માર્ચ સુધીમાં મોકલવામાં આવશે.
માર્ગ અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ 1 એપ્રિલથી નવા દરો અમલમાં આવશે. વર્ષ-2022માં ટોલ ટેક્સની રેન્જ 10 થી 15 ટકા વધારવામાં આવી હતી જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતા તમામ પ્રકારના વાહનોના ટેરિફના ભાવમાં રૂ.10 અને રૂ.60નો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં એક્સપ્રેસ વે પર 2.19 રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. આ સિવાય ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા રહેવાસીઓને આપવામાં આવતા માસિક પાસની સર્વિસમાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવશે.
નાંણાકીય વર્ષ-2022 દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 33,881.22 કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો હતો, જે અગાઉના વર્ષના વસૂલાત કરતાં 21 ટકા વધુ હતો. 2018-19થી દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો પર વસૂલવામાં આવેલી ટોલની રકમમાં કુલ રૂ. 1,48,405.30 કરોડની ફી સાથે 32 ટકાનો વધારો નોંધાયો છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અનુસાર 2022માં રાષ્ટ્રીય અને રાજ્ય બંને ધોરી માર્ગો પર ફી પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા કુલ ટોલ વસૂલાત સરેરાશ રૂ.50,855 કરોડ અથવા રૂ.139.32 કરોડ પ્રતિ દિવસ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500