રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રીમતી અંજુ શર્માના હસ્તે ઓરો યુનિવર્સિટી, હજીરા-સચિન રોડ ખાતે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા સંસ્થા તેમજ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખાતે 'કન્વેન્શન ઓન ક્વોલિટી કન્સેપ્ટ' નું વાર્ષિક સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ભારતને ગ્લોબલ લીડર બનાવવા ગુણવત્તાયુક્ત ઉદ્યોગ પ્રણાલી ઉભી કરી આમ નાગરિકોને સામેલ કરવાની તાતી જરૂરિયાત છે. ક્વોલિટી(ગુણવત્તા)ને જીવનનો અનિવાર્ય ભાગ બનાવવાં પર ભાર મૂકતા શ્રીમતી શર્માએ કહ્યું કે, જાપાની નાગરિકો ક્વોલિટી કોન્શિયસ હોય છે. તેમની પાસેથી ગુણવત્તાયુક્ત જીવન જીવવાનો પાઠ શીખવા જેવો છે. તેઓ સ્વચ્છતા અને શુદ્ધતાના ચુસ્ત આગ્રહી હોય છે. આપણે માત્ર દૈનિક જીવનમાં જ નહીં, પણ ઔદ્યોગિક એકમો, ઓફિસ, શાળાઓ અને જાહેર સ્થળો પર હંમેશા ગુણવત્તાયુક્ત કાર્યપધ્ધતિના આગ્રહી બનવું જોઈએ. આ વેળાએ તેમણે ઈન્ડસ્ટ્રીઝોમાં સેફટી અને કવોલિટી બાબતે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
શ્રીમતી અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, વિજ્ઞાન એ સુવ્યવસ્થિત જ્ઞાન છે. સારી જીવનશૈલી જીવવા માટે પણ વિજ્ઞાન માર્ગદર્શન પુરૂ પાડે છે. જો તમને તમારી જાત પર વિશ્વાસ પર હશે તો ગુણવત્તાસભર જીવન જીવવાનો આત્મવિશ્વાસ કેળવાશે. તેમણે ઉપસ્થિત ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને અભિનંદન અને પ્રોત્સાહન આપતા કહ્યું કે, ક્વોલિટી માત્ર તમારા ઉત્પાદન પર જ પ્રભાવ નથી પાડતી, પણ હકારાત્મક ઉર્જા અને કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે.
આ સંમેલનમાં અંકલેશ્વર ઈન્ડ.ના ભૂતપૂર્વ પ્રમુખશ્રી એન.કે.નાવડિયા, ઓરો યુનિ.ના કુલપતિ ડો.રાજન વેલક્કર, ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયાના સુરત ચેપ્ટરના ચેરમેન એલ.કે.ડુંગરાણી તથા ૩૦થી વધુ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500