ઉત્તર ભારતનાં લોકો હાલ હાડથીજાવતી ઠંડીમાં કાપી રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને હરિયાણાના લોકો પ્રચંડ ઠંડીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રાજસ્થાનમાં લોકો આજે કડકડતી ઠંડી વચ્ચે ઠુંઠવાઈ ગયા છે. ઠંડી એવી છે કે, લદ્દાખ અને મનાલી પણ પાછળ રહી ગયા છે. રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં શિયાળાએ 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
આ પહેલા વર્ષ 1994માં તા.12મી ડિસેમ્બરે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા આબુમાં આગામી ચાર દિવસો સુધી હાડથીજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ન્યૂનતમ તાપમાન માઈનસ ઉપર સ્થિર રહેશે જ્યારે તા.19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે, જેના કારણે લોકોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો હોવાથી અહીં સૌથી ઓછું તાપમાન અનુભવાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી યથાવત્ રહી શકે છે, ઠંડીનું મોજું પણ ચાલુ રહેશે, ધુમ્મસનાં કારણે લોકોએ કડકડતી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 16, 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળશે જ્યારે તારીખ 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હી-NCRનાં મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષાથી રાહત મળશે, પરંતુ આગામી ત્રણ દિવસ અને રાત્રીનો સમય દરમિયાન ખૂબ જ ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 19મી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોનાં ઘણા શહેરોનું તાપમાન શૂન્ય સુધી જઈ શકે છે. તારીખ 20મી જાન્યુઆરી બાદ ઠંડીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તારીખ 23થી 24 જાન્યુઆરીએ વરસાદની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500