સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલ કોવિડના કારણે બંધ હોવાનું કારણ આગળ ધરીને વિદ્યાર્થીઓને ગણવેશ નથી અપાયા પરંતુ જે શિક્ષકો નિયમિત સ્કુલ આવે છે તે શિક્ષકોને પણ બે વર્ષથી ગણવેશ આપવામાં આવતા નથી. શિક્ષકોને બે વર્ષથી ગણવેશ આપવામાં આવ્યા ન હોવા છતાં પણ કેટલાક ઉપરી અધિકારીઓ શિક્ષકોને ગણવેશ માટે ફરજ પાડે છે તેના કારણે શિક્ષકોમાં રોષ ફેલાયો છે.
શિક્ષકોઍ કોવિડ દરમિયાન અનેક કામગીરીમાં જોડાયા હતા અને તે સમયે તેમની ઓળખ માટે તેમનો ગણવેશ અગત્યનો હતો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં વિદ્યાર્થીઓને અપાતા ગણવેશ- બુટ મોજા વિતરણમાં વિવાદ થઇ રહ્યા છે. ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરને જ કોંન્ટ્રાક્ટ મળી રહ્યા નો આક્ષેપ થઇ રહ્યા છે. પરંતુ છેલ્લા દોઢક વર્ષથી કોવિડના કારણે સ્કુલો બંધ છે તેથી વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું નથી. જોકે વિદ્યાર્થીની સાથે સાથે છેલ્લા બે વર્ષથી સમિતિ દ્વારા શિક્ષકોને પણ ગણવેશ આપવામાં આવતો નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોઍ કોવિડ દરમિયાન અનેક કામગીરીમાં જોડાયા હતા અને તે સમયે તેમની ઓળખ માટે તેમનો ગણવેશ અગત્યનો હતો. ગણવેશ પહેરીને શિક્ષકોઍ કોવિડની કપરી કામગીરી નિભાવી હતી. જોકે, સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની ગણવેશમાંથી બાદબાકી કરવામાં આવી પરંતુ તેની સાથે સાથે શિક્ષકોને ગણવેશ આપવાનું ઉચિત નથી સમજ્યું.
કેટલાક અધિકારીઓ શિક્ષકો પર વટ મારવા માટે શિક્ષકો પર દબાણ કરી રહ્યા હોવાથી શિક્ષકોમાં ભારે આક્રોશ
ઍક તરફ શિક્ષકોને બે વર્ષથી ગણવેશ આપવામા આવતો ન હોવા છતાં હાલ ઓન લાઇન શિક્ષણમાં શિક્ષકોની ઉપરના કેટલાક અધિકારીઓ શિક્ષકોને ગણવેશ માટે આગ્રહ રાખી રહ્યા છે. કેટલાક ઉપરી અધિકારીઓ તો ગણવેશ ન પહેરનારા શિક્ષકોનું જાહેરમાં અપમાન પણ કરી રહ્યા છે. શિક્ષકોને છેલ્લા બે વર્ષથી ગણવેશ અપાયો નથી અને બે વર્ષ પહેલાં જે ગણવેશ આપવામાં આવ્યા હતા તે હવે અનેક શિક્ષકોને ઉપયોગમાં આવે તેમ નથી તેથી અનેક શિક્ષકો ઇચ્છા હોવા છતાં ગણવેશ પહેરી શકતા નથી. આવા સમયે અધિકારીઓ દ્વારા શિક્ષકોને ગણવેશ માટે દબાણ કરાતું હોવાથી શિક્ષકોમાં આક્રોશ છે. કેટલીક સ્કુલના આચાર્ય શિક્ષકોની સ્થિતિ સમજે છે અને શિક્ષકો ગણવેશ ન પહેરે તો કોઇ કામગીરી કરતાં નથી તો બીજી તરફ કેટલાક અધિકારીઓ શિક્ષકો પર વટ મારવા માટે શિક્ષકો પર દબાણ કરી રહ્યા હોવાથી શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે સંઘ દ્વારા પણ અધિકારીઓને કોઇ રજુઆત કરવામાં આવતી ન હોવાથી શિક્ષકોની હાલત કફોડી થઇ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500