ગુજરાત સરકારના પંચાયત વિભાગના હજારો તલાટીઓની હડતાલ સમેટાઈ ગઈ છે. છેલ્લા 20 દિવસ કરતા પણ વધુ સમયથી પંચાયત વિભાગના તલાટીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા.
પંચાયત વિભાગના તલાટીઓની માગણી સંતોષાતા અને હકારાત્મક વિચારની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેથી આ તલાટીઓએ હડતાલ સમેટી લેવાની જાહેરાત તલાટીઓના એસોસિએશનના અગ્રણીઓ દ્વારા કરાઈ હતી.આજથી તલાટીઓ ફરજ ઉપર હાજર થઇ જશે. પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, અધિકારીઓ અને પંચાયતી તલાટી મંડળ એસોસિએશન વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પંચાયત વિભાગના તલાટીઓની હડતાલ પડવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કામકાજ સદંતર ખોરવાય ગયું હતું.
એસોસિએશનની વિવિધ માંગણીમાંથી વર્ષે 2006 પહેલા ફિક્સ પગારની નિમણુંક થયેલા તલાટી કમ મંત્રી 18-01-2017ના નાણા વિભાગના પરિપત્ર મુજબ તેમની સેવાઓ સળંગ ગણવાની માંગણી સરકારે સ્વીકારી લીધી હતી જેથી તલાટીઓએ પોતાની હડતાલ સમેટી લીધી હતી. આ ઉપરાંત પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષા લેવાય તેમાં 2019 સુધીના તલાટીઓને મુક્તિ આપવા હકારાત્મક વિચારણા માટે સરકારે ખાતરી આપી હતી.ત્રીજી માંગણીમાં બીજા ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે એક જ કોર્સ હોવાથી બીજા માટે મુક્તિ આપવા સરકારે હકારાત્મક વલણ દાખવ્યું હતું પરંતુ બઢતી માટે પરીક્ષા આપવાની રહેશે તેવો નિર્ણય લેવાયો હતો. મહેસુલી તલાટી અને પંચાયતી તલાટીના જોબ ચાર્ટ માટે ઉચ્ચ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવશે. તલાટી કમ મંત્રીને 2021ના ઠરાવથી મળતું 900 રૂપિયાનું ભથ્થુ વધારીને 3000 કરવા માટે સરકાર વિચારણા કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500