ડીએનએ સેમ્પલને બનતી ત્વરાએ ગાંધીનગર પહોંચાડવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના ડીએનએ કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ એફ.એસ.એલ ખાતે પહોંચી આ કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે ૧૮થી વધુ સભ્યોનીએફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી હોવાની વિગતો આપી હતી. ડીએનએ કલેક્ટ કરવાથી લઇ તેનો ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવા સુધીની તમામ કામગીરીની વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે બ્લડની જરૂર હોય છે, રાજકોટની ઘટનામાં બ્લડ ન હોવાથી મૃતકોના બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
મોટર માર્ગે સમય ના બગડે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટ્મૉર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતાં. ડીએનએ સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. મંત્રીશ્રીએ સમગ્ર પ્રક્રિયા વર્ણવતા કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલીસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છથી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી ડીએનએ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે.
જેમાં પણ અંદાજીત છથી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં ડીએનએની ક્વોન્ટીટી અને ક્વોલીટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણથી ચાર કલાક સમય લાગે છે. ત્યારબાદ ચોથાતબક્કા હેઠળ ડીએનએન મૂનાઓનું પી.સી.આર એટલે કે, ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણથી ચાર કલાક સમય લાગે છે. પાંચમા તબક્કામાં ડીએનએ પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠથી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું એનાલીસીસ કરવામાં આવે છે, જેમાં બેથી ત્રણ કલાક સમય લાગે છે.આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છથી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ ડીએનએ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણથી પાંચ કલાક સમય લાગે છે, તેમ મંત્રીશ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500