ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળી નાંખ્યું હતું. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. બીજી બાજુ ઓગસ્ટ મહિનો આખો કોરો ધાકોર જતાં ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી પાણીની તંગી વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી ગામડાઓમાં પાણીનો પોકાર સર્જાયો છે.
ખેડૂતોએ સરકાર પાસે 10 કલાક વીજળી અથવા તો તળાવ ભરવા માટે કેનાલથી પાણી આપવાની માંગ કરી છે. રાજ્યમાં 28 ઈંચ વરસાદ જ થયો છે. ત્યારે હજી વરસાદની ઘટ હોવાથી પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતા સળવળી રહી છે. ત્યારે રાજ્ય સરકારે રાજ્યના 14 જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. હવે બીજી સપ્ટેમ્બરથી ખેડૂતોને આઠ કલાકને બદલે 10 કલાક વીજળી મળશે.
રાજ્યના ઊર્જા મંત્રીકનુભાઈ દેસાઈ એ જણાવ્યુ છે કે, રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, ત્યારબાદ અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી આગામી તારીખ 2જી સપ્ટેમ્બરથી કરાશે.
આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પાંચ સપ્ટેમ્બરથી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રૂપિયા 67.69 કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થયું છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે દશ કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા સરકારે નિર્ણય લીધો છે. આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે 14.70 કિલોમીટરની પાઇપ લાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500