મણિપુર હિંસા પર ચર્ચા કરવાના મુદ્દે સંસદમાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો હતો. વિપક્ષે બેઠકમાં આ મુદ્દે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો હતો. આજે કોંગ્રેસે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સ્પીકરે સ્વીકૃતિ આપી છે, અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ લોકસભા સ્પીકરે કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ ચર્ચા માટેનો સમય નક્કી કરશે.
લોકસભામાં સરકાર વિરુદ્ધ બે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા છે. એક પ્રસ્તાવ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા આપવામાં આવ્યો છે જ્યારે બીજી પ્રસ્તાવ BRSના સાંસદ નામા નાગેશ્વર રાવ દ્વારા લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ માટે 50 સાંસદોનું સમર્થન જરૂરી છે અને BRSને વિપક્ષી મોરચામાં પણ સામેલ નથી. દરમિયાન, કોંગ્રેસે તેના લોકસભા સાંસદોને વ્હીપ જારી કરીને આજે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું. હવે સ્પીકરે ચર્ચા માટે 10 દિવસમાં કોઈ એક દિવસ નક્કી કરવો જરૂરી છે. આ દરમિયાન સરકાર માટે ગૃહમાં બહુમતી સાબિત કરવી જરૂરી છે.મણિપુરને લઈને સંસદમાં આજે પાંચમાં દિવસે પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. વિપક્ષ નિયમ 267 હેઠળ વિસ્તૃત ચર્ચાની માંગ પર અડગ છે. રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષની તમામ અરજીઓને ફગાવી દેતાં કહ્યું હતું કે તેઓ નિયમ 176 હેઠળ ચર્ચા માટેના પ્રસ્તાવને સ્વીકારી ચૂક્યા છે. વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
નોંધનીય છે કે સ્પીકર સાથેની સર્વદળીય બેઠકમાં બહુજન સમાજ પાર્ટી(BSP) અને ઓવૈસીની પાર્ટી AIMIMનું સ્ટેન્ડ અન્ય વિપક્ષી પાર્ટીઓથી અલગ રહ્યું છે. આ બંને પક્ષોએ કહ્યું કે વડાપ્રધાન જવાબ આપે કે ન આપે, પરંતુ તેમણે મણિપુર પર ચર્ચા દરમિયાન ગૃહમાં હાજર રહેવું જોઈએ. જો પીએમને લાગે છે કે કંઈક બોલવું જોઈએ તો બોલે, નહીં તો ન બોલે.રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ કારગિલ દિવસ નિમિતે જવાનોને સલામી આપી હતી. આ પછી મણિપુર મુદ્દે સંસદમાં હોબાળો શરૂ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500