Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું

  • January 11, 2024 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું. એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી સંગમ સાથે આનંદસભર વાતાવરણ સર્જાયું હતું. એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ-૦૧ ખાતે જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં ૧૭ દેશના ૩૨ ઉપરાંત ભારતના ૧૭ જેટલા પતંગબાજોએ ચિત્રવિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા. ખાસ પ્રકારની દોરી, ખાસપ્રકારના કાગળથી બનેલા આ પતંગો એક સાથે આકાશમાં પવનની લહેરખી સાથે ઉડતા અદ્દભૂત નજારો સર્જાયો હતો. આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટુનો, એરોડાયનેમિક છતાં વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે. આ પતંગને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરીથી ચગાવે છે. એકતાનગર ખાતે મિનિ ડ્રેગન, રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગોથી આકાશ રંગબેરંગી થઇ ગયું હતું.



પતંગ મહોત્સવના પ્રારંભે જિલ્લા કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છા પાઠવી હતી. દેશ-વિદેશથી આવેલા પતંગબાજોને ઉત્સાહભેર આવકાર્યા હતા. સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે બાલીકાઓએ દેશ-વિદેશના પતંગબાજોનું કૂમ કૂમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દિપ પ્રાગટય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફૂગ્ગા ખૂલ્લા આકાશમાં છોડી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. વિદેશી મહાનુભાવો-યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી અને ઉત્સાહ ઉમંગથી સર્જાયેલા વાતાવરણને કેમેરામાં કેદ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ આ પતંગ મહોત્સવ નિહાળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application