રાજકોટના ટી.આર.પી.મોલમાં ગોઝારી ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર સફાળે જાગ્યું છે. જેમાં બારડોલી ફાયર વિભાગે પણ નગરના વિવિધ વિસ્તારોમાં પરવાનગીથી વિરૂદ્ધ દિશામાં તાણી બાંધેલા શોપીંગ મોલો અને ફાયર સેફટી અભાવે ચાલતા શોપીંગ સેન્ટરોમાં દુકાનો સીલ કરી હતી. જોકે શનિવારથી લીસ કરાયેલી દુકાનના સંચાલકોનો વેપાર ધંધો બગડતા બારડોલી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને સીલ કરાયેલી દુકાનો ખોલી આપવા માટે રજુઆતો કરી હતી. ગત શનિવારે બારડોલી ફાયર વિભાગ, નગર પાલિકા અને પોલીસ તંત્રએ ફાયર સેફ્ટીના મુદ્દે બારડોલી નગરના વિવિધ મોલ અને શોપીંગ સેન્ટરોમાં કડક ચેકીંગ હાથ ધરી આશરે જુદા જુદા 8 શોપીંગ સેન્ટરો મળી ફાયર સેફ્ટી વગરી 300થી વધુ દુકાનો સીલ કરી હતી.
બારડોલી નગરના મેઈન રોડ ઉપર આવેલ રોઝ પ્લાઝા, રવિરાજ શોપીંગ સેન્ટર, મહેતા માર્કેટ, કૃપાલ શોપીંગ સેન્ટર, ક્રિષ્ના મોલ અને ટાર્ગેટ મોલ મળી તમામ શોપીંગ સેન્ટરોમાં ચાલતી વિવિધ વ્યાપારિક હેતુની અને ખાણી પીણીની દુકાનો સીલ કરી હતી. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વેપાર ધંધો બગડતા તમામ દુકાનના સંચાલકોએ નગર પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. જોકે પાલિકા ચીફ ઓફિસરે તેઓની જવાબદારીમાં દુકાનો સીલ કરવાનું આવતું નથી તેમણે વન વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી દુકાનના સીલ ખોલવા બાબતે જણાવવામાં આવતા દુકાન ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. અનેક દુકાનોમાં સેફ્ટી ના સાધનો હોવા છતા એન.ઓ.સી.નાં વાંકે દુકાનો સીલ કરાઈ હતી.
સુરતના જિલ્લા ફાયર બ્રિગ્રેડનું વડું મથક બારડોલી હોવા છતા એન.ઓ.સી માટે કામરેજ ફાયરના રિજિયોનલ ઓફિસરનો સંપર્ક કરવાની નોબત આવતા દુકાનદારો મુંઝવણ અનુવભી રહ્યા છે. બીજી તરફ આ તમામ શોપીંગ મોલોમાં મોટાભાગના બી.યુ.સી ધરાવતા નથી, પરવાનગીથી વિરૂદ્ધ દિશામાં ગેરકાયદેસર બંધકામો કરાય છે. શોપીંગ મોલોમાં પાર્કિંગની સુવિધા નથી. આ શોપીંગ મોલોમાં ઈલેક્ટ્રિક વાયરના ઠેકાણા નથી. ઉપરથી ફાયર સેફ્ટી ધરાવતા ન હોવાના રીમાર્કસ સાથે નગરપાલિકા અને ફાયર વિભાગે આઠ શોપીંગ મોલો સીલ કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500