રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. આજરોજ એટલે કે,૨૯ જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જૂનિયર ક્લાર્કની કુલ ૧ હજાર ૧૮૫ જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં ૯ લાખ ૫૩ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા ૨ હજાર ૯૯૫ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.
લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ આજે સવારે આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી ૯ લાખ ૫3 હજાર ૭૨૩ ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.રાજ્યભરના ૨ હજાર ૯૯૫ પરીક્ષા કેન્દ્રના ૩૧ હજાર ૭૯૪ વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500