આદિજાતિ વસતીનું પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં સેવાકાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓની જિલ્લાના દરેક અધિકારીઓ જાત મુલાકાત લઈ, તેમની સેવા પ્રવૃતિમાં યથાયોગ્ય સહયોગ આપે તેવી હૃદયસ્પર્શી અપીલ કરતાં ડાંગ કલેક્ટર મહેશ પટેલે સરકારી ફરજની સાથે સાથે આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવાની મળેલી તક ઝડપી લેવાની હિમાયત કરી હતી. ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા અધિકારીઓ સાથે મુક્ત મને ચર્ચા કરતાં કલેક્ટરએ સરકારી અમલદારો પણ માનવિય અભિગમ સાથે કાર્ય કરી, સેવા સંસ્થાઓને સહયોગ પૂરો પાડી શકે છે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામે કાર્યરત દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટેની સંસ્થા સહિત માનસિક ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની સેવા સુશ્રુષા કરતી સંસ્થાઓનો પરિચય આપતા કલેક્ટરએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ અગાઉ કલેક્ટર મહેશ પટેલે જિલ્લાના ક્ષય કેન્દ્ર ખાતે સારવાર લેતા ૧૫૫ જેટલા ટી.બી.ના દર્દીઓને જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓને દત્તક આપી, તેમને પૂરક પોષણ પૂરું પાડવાનું પુણ્યકાર્ય હાથ ધર્યું હતું. કલેક્ટરશ્રીએ પણ સ્વયં કેટલાક દર્દીઓને દત્તક લઈ સધિયારો પૂરો પાડયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500