ગૌરક્ષાના નામે એક નિર્દોશ વ્યક્તિની હત્યાની ઘટના હરિયાણામાં સામે આવી છે. કહેવાતા ગૌરક્ષકોએ એક ધોરણ ૧૨ના વિદ્યાર્થી આર્યન મિશ્રાની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આર્યન તેના મિત્રોની સાથે કારમાં જઇ રહ્યો હતો, ગૌરક્ષકોને ગૌમાંસ તસ્કરીની શંકા જતા ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. આર્યન મિશ્રા અને તેના મિત્રો શેન્કી તેમજ હર્શીત એસયુવીમાં દિલ્હી-આગરા નેશનલ હાઇવે પર જઇ રહ્યા હતા.
આ દરમિયાન ગોઢપુર ટોલથી ૩૦ કિમી દૂર કહેવાતા ગૌરક્ષકોએ તેમનો પીછો કર્યો હતો. જોકે આર્યન મિશ્રા અને તેના મિત્રોએ કાર નહોતી રોકી. બાદમાં આરોપીઓએ તેના પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં આર્યન મિશ્રાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે હાલ સૌરભ, અનિલ કૌશિક, વરુણ, કિશ્ના અને આદેશ એમ પાંચની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા, કોર્ટે તમામ પાંચ આરોપીને બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવા આદેશ આપ્યો હતો જે પૂર્ણ થયા બાદ તમામને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
દરમિયાન આ સમગ્ર ઘટના હાઇવે પર ગાડપુરી ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, જેમાં આર્યન મિશ્રાની ડસ્ટર કારનો મારુતી સુઝુકી સ્વિફ્ટ કાર દ્વારા પીછો કરતા દેખાય છે. ડસ્ટર કાર ખુદ આર્યન ચલાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આર્યન તેના મિત્રોની સાથે માત્ર ડિનર કરવા બહાર ગયો હતો. જ્યારે આરોપીઓએ પોતાના બચાવમાં કહ્યું હતું કે અમને આ કારમાં ગૌમાંસ તસ્કરો હોવાની બાતમી મળી હતી. હાલ પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500